પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાખતા'તા. એ બધી ચેષ્ટાઓ મેં નજરોનજર ભાળી. ત્રીસ પાસીન્જરોનો ડબો છતાં એમાં દસ ઉપર અગિયારમું કોઈ પાસીન્જર નહોતું બેઠું. મોઢાં જોઈ જોઈને જ તમામ લોકો આગલા ડબાઓમાં જઈ ભરાયાં. શેઠ , તમે તમારાં બાલબચ્ચાંને વાઘવરુની વચ્ચે દેખી પેખીને ક્યાં ફેંક્યાં ?"

રામલાલ તો થીજી જ ગયો. પેલાએ ફરી એકવાર ચોમેર નજર ખેંચી ચહેરા આડે હાથનો પડદો કર્યો, ને કહેવાનું હતું તે પૂરું કર્યું: "શેઠ, આઠે-પંદરે દા'ડે અલારખીઓ આંહીંના ફેરા મારે છે. એના ફેરા શરૂ થયા પછી રેલગાડીના ડબાઓમાંથી પાંચ વાર તો ખૂનની લાશ હાથ આવી, ને શહેરમાં સાતેક લૂંટો થઈ. આ કાળાં કામ કરનાર કોણ છે તે તો સહુ કોઈ જાણે છે. પોલીસ શું નથી જાણતી એમ તમે કહો છો ? હું કહું છું કે પોલીસ ચોક્કસ જાણે છે - પણ પોલીસને અલારખાએ ગળા લગી ધરવી નાખ્યા છે: હવે શું કહો છો, મારા સહેબ ! એ તો 'કેના બાપની ગુજરાત' જેવું છે ! સરકારના રાજમાં 'ઢેઢ મારે ધક્કે: દેવ ગિયા ડુંગરે ને પીર ગિયા મક્કે' વાળી વાત થઈ છે. વરણાવરણી ભ્રષ્ટ થઈ ગઈ: ગાંધીએ ભૂંડું કરી નાખ્યું. આમાં શું રાખ સવરાજ મળવાનું હતું ? સારા પ્રતાપ માનો અંગરેજી રાજના..."

આવું તો બહુ બહુ તત્ત્વદર્શન ઠાલવી દઈ પોતાના હ્રદયનો ઊભરો હળવો કરવાની એ આસામીને તલપાપડ હતી; પરંતુ જ્યારે એ આસામીએ જોયું કે રામલાલનું ધ્યાન જ બીજે કોઈ સ્થળે ગુમ થયું છે, ત્યારે પછી એ ત્યાંથી ખસ્યો; ખસીને દૂર જઈ એક બીજા માણસ સાથે કશીક વાત કરવા લાગ્યો. બેઉ વચ્ચે ઠઠ્ઠા ચાલતી હતી. બેઉ રામલાલની સામે હાથની એવી ચેષ્ટા કરતા હતા કે જે ચેષ્ટાનો, દૂરથી જોનારાંને 'મીઠા વિનાનો લાગે છે' એવો કંઈક અર્થ બેસે.

રામલાલને તાર-ઑફિસ પર જવું હતું. તાર-ઑફિસ પોતાની સામે જ હતી. આંધળોય વાંચી શકે એવા અક્ષરો 'તાર-ઑફિસ' વીજળીના તેજે સળગી રહ્યા હતા. છતાં, રામલાલ એટલો ગુમસાન હતો કે એણે બાજુએથી જતા માણસને પૂછવું પડ્યું.