પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તારનું ફારમ મેળવીને એ અંદર સંદેશો બેસારવા લાગ્યો. ગાડી અત્યારે ક્યાં હશે તેની પૂછપરછ કરી જોઈ. સંભવિત સ્ટેશનના માસ્તર પર તાર લખ્યો. ઓછામાં ઓછી શબ્દ-સંખ્યા બનાવી નવ આનામાં પતી જાય છે એવું જણાતાં પોતાની અક્કલમંદી પર આફરીન અનુભવ્યું. તાર બારી પર મૂકી બાંધો એક રૂપિયો સેરવ્યો.

"બીજા બે રૂપિયા," તાર-માસ્તરે જરાક ડોકું ઊંચું કરી પાછું કંઈક લખતાં લખતાં ટૂંકી માગણી કરી.

"શાના ?" રામલાલ સહેજ તપ્યો: "અજાણ્યા જાણીને શું..."

"એક્સેસ ચાર્જ." તાર-માસ્તરે જવાબ આપ્યો.

"શાનો ?"

"લેઈટ ફી, પ્લસ સન્ડે."

રામલાલને જાણે કોઈએ ગાઢી નિંદ્રામાંથી ઢંઢોળ્યો. ત્રણ રૂપિયા ? ત્રણ રૂપિયાની રકમ એણે ખાનગી તારમાં અવતાર ધરીને ખરચી નહોતી. ખરેખર શું ત્રણ રૂપિયા ખરચવા જેવું સંકટ ઊભું થયું છે ? શું મારી પત્ની પોતાની જાણે જ અક્કલ ચલાવી ડબો બદલી નહિ નાખે ? શું મારાં આટલાં વર્ષોના સહવાસ પછી પણ એનામાં અક્કલ નહિ વધી હોય... ? કોણ જાણે ! બૈરું છે: સ્ત્રીની બુદ્ધિ હંમેશા પાનીએ જ હોય છે; ભૂલ ખાઈ બેસશે... પણ શું એ કંઈ વિપત્તિ પડતાં સાંકળ નહિ ખેંચી લ્યે ? એ બેઠી હશે ત્યાંથી સાંકળ તો નજીક જ હશે ને ? પણ સાંકળ ચાલુ હાલતમાં તો હશે ને ? અરે રામ ! આ ચોમાસામાં સાંકળ કદાચ જામ થઈ ગઈ હશે તો ? અમસ્થાય આ રેલ્વેવાળાઓ સંકટ-સાંકળને ક્યાં ચાલુ સ્થિતિમાં રાખે છે ?... પણ તો પછી શું એ ચીસ નહિ પાડી શકે ? શું કીકો ચીસ નહિ પાડે ? પેલા ડાકુ અલારખાનો પંજો એના મોંને દબાવી રાખશે તો ?...

આવી વિચાર-પરંપરા વહેતી થઈ હતી, તેમાં તાર-માસ્તરે પેલો રૂપિયો તથા તારનું પતાકડું બહાર હડસેલીને ભંગ પાડ્યો; વિશેષમાં ઉમેર્યું: "શેઠજી, વિચાર કરી સવારે જ આવજો - સોમવાર થઈ જશે !"

રામલાલને પોતાની જાત પ્રત્યે તે જ પળે ઊંડો તિરસ્કાર ઊપજ્યો.