પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એની કલ્પનાએ સ્ત્રીને જંગલના અંધકારમાં, અસહાયતાની ચીસો પણ ન પાડી શકે તેવી સ્થિતિ વચ્ચે, ચૂંથાતી દીઠી. એનું નાનું બાળક તો જાણે ફફડીને ક્યારનું ફાટી પડ્યું હશે!

"ઓ મારા પ્રભુ! ચૌદ લોકના નાથ! ગરુડગામી!" એવી પ્રાર્થના એના નિશ્વાસમાંથી ઉચ્ચારણ પામી. એણે તારનું કાગળિયું પાછું બારીમાં સેરવી પાંચ રૂપિયાની નોટ નાખી.

"રિપ્લાય પ્રીપેઈડ?" તાર-માસ્તરે પોતાની પરિભાષામાં જ ટૂંકો પ્રશ્ન કર્યો. દરેક મનુષ્ય પોતાના ધંધાની ભાષાને જ પ્રથમ પદ આપે છે, ને સમજી લ્યે છે કે બીજાં સહુએ એની ભાષા શીખી લેવી જ રહી.

"હેં જી?...એં-ના-હા જી, હા જી, રિપ્લાય મંગાવી આપો." રામલાલ માંડ માંડ બોલી શક્યો.

જાણે કે રામલાલના હ્રદયમાં એક ગળણી ગોઠવાયેલી હતી, એ ગળણી હતી વ્યવહારુ ડહાપણની. પોતાના હરેક વિચારને પોતે એ ગળણીએ ગાળ્યા પછી જ અમલમાં મૂકતો.

તાર-માસ્તરે આઠ આના પોતાના ગજવામાં સેરવીને થોડાક પૈસા પાછા ફેંક્યા. તે પછી ઘણી ઘણી વિધિક્રિયાઓ બાદ તાર જ્યારે યંત્ર પર ખટખટવા લાગ્યો ત્યારે રામલાલને હિંમત આવી. એ પ્રત્યેક ખખડાટમાંથી એની કલ્પનાના કાન પર પોલીસનાં કદમો સંભળાયાં, હાથકડીના ઝંકાર ગુંજ્યા, અલારખિયા બદમાશને કાંડે એ કડીને ભીડતી ચાવીના કિચુડાટ ઊઠ્યા.

જવાબનું પતાકડું કવરમાં બીડીને જ્યારે તારવાળાએ રામલાલને આપ્યું ત્યારે એને એક પળ કેવી શાતા વળી ગઈ! ફોડીને વાંચે ત્યાં આટલું જ લખેલું: 'ગાડી પાંચ મિનિટ પહેલાં જ છૂટી ગઈ છે.'

વધુ પૈસા ખરચવાની હિંમત હારી જઈ રામલાલે ઈશ્વરનો જ આધાર લીધો. એ છેક પુરાતન યુગનો માણસ હોત તો કુલ દેવતાને કશીક માનતા માની લેત; ને છેક અર્વાચીન જમાનાનો હોત તો પૂરેપૂરો પુરુષાર્થ અજમાવત. પણ વચલી દશામાં લટકતો હોવાથી ઘેર પહોંચ્યો, ને પલંગમાં