પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રુક્ષ્મિણીએ કોઈ વાર આટલી ઝડપે પહોંચવાનો કાગળ નહોતો લખ્યો.

આ કાગળ એક ઓછું ભણેલી, અણઘડ સ્ત્રીની ભાષામાં હતો. શરૂઆત 'વહાલા' અથવા 'મારા વહાલા' અથવા 'મારા પ્રાણપ્રિય વહાલા સ્વામીનાથ' જેવા કોઈ સંબોધન વડે ન થતાં સીધેસીધી વેપારી શૈલીએ, મુદ્દાની વાત વડે જ, થઈ હતી; એથી કરીને એ પત્ર એન્જિનથી શોભતી જૂની આગગાડીને બદલે વગર એન્જિનની વીજળીક ટ્રેઇન જેવો બાંડો ને બેડોળ લાગતો હતો. આ રહ્યો એ કાગળ - એમાં ફક્ત વિરામચિહ્નો અમારાં કરેલાં છે:

તમને તે કાંઈ વિચાર થયો? મેં કેટલું કહ્યું કે, મને, ભલા થઈને, પાણીનો એક કુંજો અપાવો - પિત્તળનો નહિ ને માટીનો અપાવો. પણ તમે તો એકના બે ન થયા; કહ્યું કે, ટેશને ટેશને પાણી મળે છે, તો લોટાથી કેમ ન ચાલે? ઠીક લ્યો: તમારો બોલ રિયો. રસ્તે પાણીની વપત પડી. છોકરાં નાનાં, રાડ્યો પાડે. ભેળા હતા તેમણે ખાવાનું ચોખામું હિન્દુનું અપાવ્યું. છોકરાં 'પાણી' 'પાણી' કરે, ને ટેશને ટેશને એ ભાઈ દોડી દોડી પાણી આણી આપે; મને તો કાંઈ પૂછે કરે નહિ, પણ જોડેનાને કયા કરે: "ઇસકા ધણીએ અમકું બોલ્યા, ઇસકું ધ્યાન રખજો!"

નૈ નૈ ને પચાસ વાર એણે આ-નું આ વચન ગોખ્યું હતું: "ઇસકા ધણીને અમકું કયા હે કે, ઇસકા ધ્યન રખજો!"

બોલતો જાય ને શું રાજી થાય!

હવે માંડીને વાત કરું છું: ગાડી ઉપડ્યા પછી તરત જ એણે પેલી બાઈને પોતાના - મૂવું શરમ આવે છે - ખોળામાંથી ઉતારી મૂકી કહ્યું કે, થોડી છેટી બેશ. ભેળા હતા તેમને તમામને કહ્યું કે "ખિલખિલ હસવું બંધ કરો, ને બીડીના ધુમાડા ઓ બાજુ મત કાઢો; કેમકે ઈસકા ધણી અમકું બોલ ગિયા કે, ઇસકું ધ્યાન રખજો."

પછી બધા ધીરે ધીરે વાતો કરતા હતા. પછી તો ઘણાખરા ઊંઘી ગયા; પણ એ ભાઈ કે' કે, "અમ નૈ ઊંઘું; ઇસકા ધની અમકુ કહે ગિયા કે..." વગેરે.

એ બેઠો જ રહ્યો. મને તો કાંઈ ફાળ ને ફડકો - કાંઈ ફાળ ને ફડકો! કોણ જાણે શા કારણે જાગતો હશે. મને કહે કે, અમ્મા, તમ સૂઈ જાવ. પણ