પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવજો. અમારું ઘર અમુક અમુક ગલીમાં છે, ને જેન્તીડાના બાપનું નામ 'ર' અક્ષર પર આવે છે. મારા ભાઈને મેં કહ્યું: "ભાઈ, આમને તમારા બનેવીનું પૂરું નામ તો આપો." મારા ભાઈએ કહ્યું: "રામલાલ ચુનીલાલ મેશરી." કહેતાં જ એના કાન ચમક્યા: ઘડીક તો એના ડોળા ફાટી રહ્યા. પછી એ હસી પડ્યો.

મારા ભાઈએ એને આપણું સરનામું લખીને ચબરખી આપવા માંડી. પણ એણે હસીને ના પાડી; આકાશ સામે આંગળી ચીંધાડી. લખિતંગ રુખમણી.

પત્ર વાંચીને રામલાલે વળતી જ ટપાલે એક કાગળ લખી પત્નીને તેમ જ ભાઈને પૂછાવ્યું કે 'પેલી મારા સરનામાની ચબરખી તમે એને આપી નથી એની તો ખાત્રી છે ને? જો એ ન આપી હોય તો એના ટુકડા કરી નાખજો; ને આપી હોય તો, ધર્મના સોગંદ દઉં છું, મને સત્ય જણાવશો - કે જેથી હું મારા ઘર ઉપર પોલીસનો બંદોબસ્ત કરાવું'.

જવાબમાં સાળાએ બનેવીને એ ચબરખી બીડી મોકલી. ભૂલભૂલમાં એ લખેલી ચબરખી સાળાની નોટ-બુકમાં જ રહી ગયેલી.

આમ છતાં, રામલાલ ભોળવાઈ ગાફલ બની જાય તેવો આદમી નહોતો; એણે પોલીસને આ બધી વાતની બાતમી આપી દીધી.

પોલીસના અધિકારીઓએ પણ, 'આ મામલો ગંભીર છે' એવી ચેતવણી આપી, રામલાલના મકાન ઉપર રામલાલને ખરચે રાતનો ખાસ ચોકીદાર ગોઠવી દીધો.

રુક્ષ્મિણી પિયરથી પાછી આવી ત્યારે રામલાલે એને ઠપકો આપ્યો: "તને કોણે ડાહી કરી હતી કે એ બદમાશને આપણા ઘરનું સરનામું આપજે..."

રુક્ષ્મિણીની આંસુભરી કીકીઓ અલારખાભાઈની કલ્પિત આકૃતિને જાણે આંસુમાં નવરાવી રહી હતી.