પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


વહુ અને ઘોડો


સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકીઢૂંબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જ જણ છીએ: એક હું ને બીજો આ દીવો...

હું ભૂલી: જીભ કચરું છું. અત્યારે અર્ધી રાતના મારા સંગાથીને મારે પુરુષ-નામ ન આપવું જોઈએ. દીવાને 'દીવો' કહેતાં તરત જ મારું મન પાછું ભટકવા લાગે છે: દીવો કેમ જાણે ધીરે ધીરે મારા અંતરની વાતોના સાક્ષી કોઈ જાણભેદુ પુરુષ તરીકે સજીવ બનતો હોય એવું લાગે છે. અહીં એકાંતમાં પુરુષની કલ્પનામૂર્તિ પણ નહિ સારી. હસી હસીને પ્રકાશ દેનાર, એકીટશે મીટ માંડી મારી સામે તાક્યા કરનાર, તેજના સરોવરમાં મારા દેહને ભીંજવનાર અને પોતે મૂંગો રહી મારા હૈયાની વાતો આ કાગળ પરથી વાંચી જનાર એ દીવાની પુરુષ-કલ્પના તો ખરે જ બિહામણી છે. માટે હું કહું છું કે આ મેડીમાં અત્યારે એક હું જાગું છું. ને બીજી જાગે છે આ બત્તી.

મને મારું બાળપણ સાંભરે છે. જો કે અહીં ઘરમાં તો મને સહુ હૈયાફૂટી કહે છે, કેમકે હું રોજની મારી મેલછાંડમાં કઈ ચીજ ક્યાં મૂકી તે ભૂલી બહુ જાઉં છું, નાહીને કે સૂઈ ઊઠીને ગળાનો હેમનો હાર પણ ચોકડીમાં કે પથારીમાં પડ્યો રહેવા દઉં છું અને, તેને પરિણામે , સહુ મને 'ભાન વિનાની', 'રોઝ જેવી' કે 'ગામડાનું ભોથું' કહે છે. તેમ છતાં, મને મારા પાંચ વર્ષના વયનું તલેતલ નાનપણ યાદ આવે છે: તે વખતે હું ઘરની ભીંતેથી કરોળિયાનાં જાળાં તેમ જ ભમરીનાં ભોંણ ઉખેડી નાખતી, તે દેખીને રતનમા મને કહેતાં કે "રે'વા દે, રે'વા દે, પાપણી! નહિ તો તને