પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આંખે પણ ઘોડો જોવા જતી.

'કેવો ભાગ્યશાળી ઘોડો!' હું વિચાર્યા કરતી: 'એની પીઠ ઉપર કેવા રૂપાળા, હસમુખા, ભપકેદાર લોકોની સવારી શોભે છે! 'ચાઈના સિલ્ક'ના કોટપાટલૂને દીપતા મામલતદાર સાહેબના બન્ને હાથ ભરબજારે સેંકડો લોકોની સલામો ઝીલતા હોય, અને હાથમાં મોટા મોટા હુક્કાવાળા, બગલમાં રૂપેમઢી તલવારોવાળા, મોટા મંદિલવાળા તાલુકદારો એને 'સરકાર! સરકાર!' કહી ઓછા ઓછા થતા હોય, ત્યારે શું ટેડી આંખે આ મહાપુરુષને જોઈ જોઈ શેઠ સાહેબનો ઘોડો ઓછો મગરૂબ બનતો હશે!'

હરેક ગાડીને ટાઇમે સ્ટેશન પર જઈને કલેક્ટર સાહેબથી માંડી અવલ-કારકુન સાહેબ સુધીના તમામ માનવંતા પેસેન્જરોને ચા-નાસ્તો પહોંચાડનાર આ ઘોડો દિવસના ભાગમાં જ્યારે જ્યારે નીકળતો ત્યારે તો હું અચૂક ખડકી બહાર આવીને એને નીરખી લેતી; અને રાતના બાર કે ચાર બજ્યાની ગાડી પર જ્યારે એ ચૂપચાપ રબર-ટાયરની ગાડીને રમાડતો, પોતાના નાળબંધ ડાબલાના પડછંદા જગાવતો ઘોડો સૂનકાર શેરીઓમાં ઘમકાર કરતો નીકળતો, ત્યારે ઊંઘમાંથીય હું જાગતી - નહોતી જાગતી ત્યારે એ ઘોડો સ્વપ્નમાં જોતી.

બજારમાં પણ અનેક વાર શેઠ સાહેબનો શબ્દ હું સાંભળતી. અમારા મકાન પાસે એ ગાડી ઘણીવાર અટકતી; અમારે ઘેર કોઈ પણ અતિથિ આવેલ હોય કે તરત શેઠ મારા મોટાભાઈને કહેતા કે "મહેમાન માટે આપણી ઘોડાગાડી મંગાવી લેજો, હો કે! જુદાઈ રાખશો નહિ, હો કે! ઘોડો બાંધ્યો બાંધ્યો મારે શા કામનો છે, શેઠ! ભાઈઓને સારુ કામ નહિ આવે તો પછી એનું સાર્થક શું છે?"

'ઓહોહો!' હું વિચાર્યા કરતી: કેટલો લાડીલો અને સન્માનિત ઘોડો! ઊભો ઊભો મોંમાં લગામ કરડે છે, તે પણ રૂપાની! માખી ન બેસે માટે તો આખે અંગે જાળીની ઝૂલ્ય.

જેના ઘરનો ઘોડો આટલો ભાગ્યવંત, તેના ઘરની વહુવારુઓ કેવી રૂમઝૂમતી, ગેલતી અને વસ્ત્રાભૂષણે લચી પડતી હશે!