પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ જોવાની મારી મન-કામના પણ સંતોષાઈ ગઈ એક દી:

અમારા ઘરની પાસે રસ્તો એટલો બધો સાંકડો હતો કે સામસામાં બે ગાડાં-ગાડી નીકળી ન શકે. તે દિવસ બપોરે બાર વાગ્યે એકસામટાં સાત ગાડાંની ઠાંસ એ રસ્તે લાગી પડી હતી. ગાડાં ઉપર રૂનાં ધોકડાં લાદેલાં હતાં. બુકાનીદાર સાતેય ગાડાખેડુઓનાં મોં પર રસ્તાની ધૂળના થર ચડ્યા હતા. સાતેય જણા બળદોનાં પૂછડાં મરોડીને ટુકડેટુકડા કરી નાખતા બજારનો ચડાવ પાર કરવા મથતા હતા. બળદોનાં કાંધ ઉપરથી છોલાણ થઈને લોહી ચાલ્યાં જતાં હતાં. પડખે એક ગાય ભીંસમાં આવી જવાથી દુકાનદારો એ સાત માંહેલા એક ગાડાવાળાને હેઠો ઘસડી લઈ મોટે ડોળે ગાળોની તડપીટ પાડતા હતા. પરગામના ગાડા-ખેડૂઓ આ ધર્મી વેપારીઓની સામે થોડીક વાર ચસકા કરતા, થોડીક લાચારી ગાતા, થોડાક અંદરોઅંદર વઢતા-ઝગડતા હતા. એ લોકોને ખરી ખબર જ નહોતી કે ગાય ભીંસમાં આવી જવામાં સાચો વાંક કોનો હતો; પણ આ બધી લડાલડી ને ગાળાગાળીથી આનંદ પામતી હું - આઠ વરસની છોકરી - અમારે ઓટે બેઠી હતી, ત્યાં અટકી ગયેલા બે મુસલમાન ખેડૂતો ધીરે અવાજે જે વાતો કરતા હતા તે મારા સાંભળવામાં આવેલી: "હદ થઈ છે હવે ને હવે તો? દુકાનના ઓટા લંબાવીને બજારનો મારગ દબાવનારા છે આ વેપારીઓ ને પીટે છે પરગામના ગાડાવાળાઓને! કોઈ દેખનારો જ ન મળે?"

આમ જ્યારે ગાડાં ને ગાડીઓ, રેંકડીઓ ને પગપાળાઓ, પનિહારીઓ ને બકાલણો વગેરે તમામ માણસો તેમ જ વાહનોનો ઠાંસો ત્યાં થઈ ગયેલો, તે વખતે મેં મારા રોજના પરિચિત અને પ્રિય ઘમકાર સાંભળ્યા. મેં ઊઠીને ડોક લંબાવી ઉપલી બજાર તરફ જોયું...

અહાહા! શેઠની ગાડી: નવો ઘોડો: માંકડાને બદલે ધોળો ધોળો: અને અંદર ચાર બૈરાં તથા પાંચ છોકરાં બેઠેલાં.

આજ આટલાં વર્ષે પણ હું એ દેખાવની એકેય વિગત વીસરી નથી શકી. અંદર બેઠાં હતાં તો ચારેય જણાં ઘૂમટા તાણીને, એટલે આછા આછા સોનાસળીના સાળુ સોંસરવી હું એ મોઢાંની ઝાંખી રેખાઓ જ જોઈ શકી