પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતી; પણ કોણી સુધી ઉઘાડા તે આઠેય હાથ ઉપર તો મારી નજર, કોઈ ભિખારીનું છોકરું દિવાળીના તહેવારમાં અમારા પૂનમચંદ કંદોઈની દુકાનના દરેક થડકલા ઉપર નિહાળી રહે તેવી લગનીથી, તાકી રહી હતી.

મેં એ આંગળીઓની વીંટીઓથી લઈ કોણી ઉપરના બાજુબંધ સુધી શું શું દીઠું તેનું હું કેવું વર્ણન કરું! અત્યારની મારી દૃષ્ટિ દોષિત બની છે, એટલે એ વખતના મારા નયન-તલસાટને હું આજે ન્યાય પણ ન આપી શકું.

અને એ પાંચ છોકરાંનાં અંગો ઉપર શોભાના શા શા રંગો!

"શેઠનાં ઘરનાં વહુવારુઓ છે; વેવાઈ-ઘેર આજ જમવા જાય છે: બચારાંને માથે કેવી કરી આ સાળા ગાડાવાળાઓએ!"

એવા ઉદ્ગારો લોકો કાઢવા લાગ્યા, ત્યાં તો કોચમેને એ રસ્તો રૂંધનાર ગાડાવાળાઓને બે-ચાર ગાળો દઈ ગાડીને પાછી લઈ લીધી. એક ખાંચામાં વાળીને પછી ગામ-બહારને લાંબે રસ્તેથી એણે શેઠ-ઘરનાં વહુવારુઓને વેવાઈ-ઘેર પહોંચાડી દીધાં.

એ લોકો જ્યાં જમવા આવ્યાં તે ઘર અમારી નજીકમાં જ હતું. બાને જાણ ન થાય તે રીતે છાનીમાની હું એ ઘેર ગઈ. મને એ સોનાસળીના સાળુની અંદર ઢંકાયેલાં મોં જોવાનું ઘણું મન હતું. પણ એ મોટા ઘરના કોણ જાણે ક્યા ખંડમાં ભાગ્યવંતીઓ પેસી ગઈ! મને ત્યાં કોણ ભાળ આપવા નવરું હોય! જમવા-જમાડવાની એવી ધમાલ ત્યાં જામી પડી હતી, અને અવાજ પાડી પાડી ભરડાઈ ગયેલાં ગળાં એકબીજાંની સાથે એવી બૂમાબૂમોથી કામ લઈ રહેલ હતાં, કે ત્યાં કાંઈક મોટો કજિયો મચી જશે એવી બીકે હું પાછી ઘેર નાસી આવી. બાને ખબર પડી કે હું ત્યાં જમણ-દિને ગઈ હતી, એટલે બાએ મારા ગાલ સારી પેઠે ખચકાવ્યા.

ગાલ તો છોને ખચકાવ્યા પણ તે દિવસથી હું અમારી નજીકના એક મંદિરમાં રોજ સાંજે ઝાલર સમયે જઈને એકલી પ્રાર્થના કરતી કે 'હે ભગવાન, મને એ શેઠ-ઘરની જ વહુ કરજો; નહિતર હું ઘોડાગાડીમાં બેસીને જમવા કેમ કરીને જઈશ? એવું મને ક્યાંથી મળશે?'