પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

[૨]

બસ, તે પછી હું બાર-તેર વર્ષની થઈ ત્યાં સુધીના પાંચ વર્ષના ગાળામાં મેં સાતેક વાર એ શેઠ-ઘરનાં વહુઓને ગાડીમાં બેસી નીકળતાં દીઠાં હશે: બે-ત્રણ વાર જમવા માટે; ચારેક વાર અમારી જ્ઞાતિના કોઈ મોટા ગુરુદેવની પધરામણી થઈ ત્યારે સામૈયામાં જવા માટે.

પણ મને ચોક્કસ ખબર નથી રહી કે એ ચાર એ-નાં એ જ હતાં કે એમાં કોઈની અદલાબદલી થઈ હતી. છતાં એટલું તો મને યાદ રહી ગયું છે કે કોણી સુધી બહાર દેખાતા એ આઠ હાથની કળાઈઓમાં મને વારંવાર વધતી-ઓછી જાડાઈ-પાતળાઈની અને લાલચોળ જોબન તથા નિસ્તેજ રોગિયલપણાની જૂજવી ભાતો લાગી હતી.

આવા ફેરફાર મને તે દિવસે બરાબર સમજાતા નહોતા; પણ મોટી ઉંમરે મારા અંતરમાં એ વાતની કડી બેસવા લાગી હતી: કેટલીક વાર રાતના બે વાગ્યે ને કેટલીક વાર પરોઢિયે અમારે ઘેર પાડોશણો લૂગડાંની પોટલીઓ લઈને આવતી, અને ખબર દેતી કે શેઠના વચેટ, નાના કે મોટા દીકરાની રાજકોટવાળી, વઢવાણવાળી, હડમતિયાવાળી કે ખીજડિયાવાળી વહુ હવે અંતકાળ છે. મારી બા પણ એક નાની પોટલીમાં સાડલો, કાપડું ને ચણિયો વીંટાળી સહુની સાથે ચાલી નીકળતી.

એક વાર તો જતાં જતાં બા એમ પણ બોલેલી હોવાનું મને યાદ છે કે "ભાગ્ય એટલાં મોળાં ને, બાઈ, કે આ મારી તારા હજુ ત્રણ વરસ નાની કહેવાય. છોડી તેર વરસની હોત તોય આજ હું એને સુખમાં નાખી દેત. પણ આ તો દસ જ વરસની ને પાછું રાંડને ડિલમાં ગજું મુદ્દલ જ ન મળે ને! દસ વરસનીને પંદરમાં ખપાવાય શી રીતે?"

હું તે વેળા તો બહુ સમજી નહોતી. અત્યારે ચોખવટ થાય છે કે શેઠના ઘોડાના રંગો આટલા આટલા બદલાતા, ને એ ઘોડાગાડીઓમાં બેસી જમવા જનારા આઠ-આઠ હાથની કળાઈઓ આવાં રૂપાન્તર પામતી. તેનો અર્થ એ હતો કે ઘોડા ને વહુઓ ઘણી વાર મરણ પામતાં ને તેને બદલે નવા ઘોડા ને નવી વહુઓ તાબડતોબ આવી જતાં.