પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અગિયાર...બાર - તેર વર્ષનું વહાણું વાયું ત્યાં તો મારા માવતરના જીવનમાં મારી ચિંતા ઠાંસોઠાંસ થઈ પડી. તે દિવસે અમારા ઘર પાસેની સાંકડી બજારમાં જે ગાડાગાડીની રૂંધામણ થઈ હતી. તેવી જ સંકડામણ માતા-પિતાના સાંકડા સંસાર-પથમાં લાગી પડી. કોણ જાણે શું થયું કે મારા શરીરનું ગજું ઓચિંતાનું નીકળવા માંડ્યું: કોણ જાણે કેવીયે ગુપ્ત સરવાણીઓ મારા રોમરોમમાં ફૂટી નીકળી. મારી મા પિતાજી કને વારંવાર કહેવા લાગી કે "રાંડને ગજું કરવાની જે દી ખરી જરૂર હતી તે દી તો છપ્પનિયા રાંકા જેવી રહી ને આજ હવે માંડી ડિલ ઘાલવા કરમફૂટી! ક્યાં નાખશું દીકરી જેવી દીકરીની દેઈને!"

બાપુ જવાબ દેતા: "આપણે બીજું શું કરીએ! શેઠના ઘરનાં કોઈ વહુ અત્યારે આપણી દીકરી સારુ થઈને થોડી માંદી પડી શકે છે..."

સાંભળીને બા બેવડાં ખિજાતાં: "તમારે ઠીક લાગ આવ્યો છે મારા માથે દાઢવાનો! લાજતા નથી ને ગાજો છો શું ઊલટાના! હું ક્યાં એમ કહું છું કે શેઠના છોકરાની વહુવારુ મરે..."

"તું કહેતી નથી પણ અંદરથી પ્રાર્થના તો આપણી બન્નેની એ જ હોય ના!"

"હોતી હશે - તમને ખબર!" બા છણકો કરતાં.

બાપા કહેતા: "પણ એમાં આપણે શું અજુગતું કરીએ છીએ? લાયક ઉમ્મરની દીકરી સારુ તો પ્રત્યેક ચિંતાતુર માબાપ એ જ કરી રહેલ છે. કોઈ આબરૂદાર ઘરની વહુવારુ છેવટના દા'ડા કાઢતી મંદવાડમાં પડી હોય છે ત્યારથી જ શું નથી સહુ વેતરણમાં પડી જતાં? તો પછી આપણે ક્યાં મારણના જપ કરાવીએ છીએ બામણ બેસારીને! આપણે તો એમ ભાવીએ છીએ કે જો શેઠની કોઈ વહુવારુને મંદવાડ આવવાને નિર્માયો જ હોય, તો જરી વે'લો વે'લો કાં ન આવે?"

"કપાળ-!" દાંત ભીંસીને બા બોલતાં: "ભલા થઈને હવે ક્યાંક રાજકોટ અમરેલી આંટો તો મારો!"

"પણ આંટો તે કેને ઘેર મારું?"