પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બોર્ડિંગો તો તપાસો: પાંચસો છોકરા ભણે છે."

"પણ આપણે તો દીકરીને ત્રીજી ચોપડીમાંથી જ ભણતર છોડાવ્યું છે ને પાછો ગોતવો છે બોર્ડિંગવાળો ભણેલો!"

"ત્યારે કેને દેશું?"

"સ્ટેશને છાપાં વેચે છે કડવી ભાભુનો રસિકલાલ: એ શું ખોટો છે?"

બાની આંખે પાણી આવી ગયાં. એનાથી કશું બોલાતું નહોતું. ગળે ડૂમો ભરાઈ આવ્યો; મન મોકળું મૂકીને રડ્યાં. બાપા બાને પટાવવા લાગી પડ્યા: "ગાંડી, હું તો મશ્કરી કરતો હતો! આપણી તારા જેવી દીકરીને શું હું છાપાંના ફેરિયા જોડે પરણાવું કદાપિ?"

એમ કહી બાપાએ પાણીનો પ્યાલો લાવી બાનું મોઢું ધોઈ નાખ્યું. બા રડતાં રડતાં હસી પડ્યાં.

હું, તેર વરસની તારા, છાનીમાની લપાઈને ઓરડાના કમાડની ચિરાડમાંથી આ જોતી હતી. છાપાંવાળા સ્ટેશનના ફેરિયા રસિકલાલનું નામ સાંભળીને મારા શ્વાસ પણ ફફડી ઊઠ્યા હતા. કોઈ કોઈ વાર એ અમારે ઘેર છાપવું વેચવા આવતો. મારા બાપા પૈસા ખરચીને છાપું લેવાના એટલા બધા કાયર, તે છતાં એ રસિકની પટુતામાં લપસી જઈ 'સમાચાર'ના બે પૈસા ખરચી નાખતા. સાંજ પડતાં તો ચાર છાપાં વીસ ઠેકાણે વંચાવી લઈને રસિક આખા દસ આના ઉઘરાવી લેતો. રોજ વીસ ઠેકાણે પાટકવા માટે મોટી મોટી ડાંફો ભરનાર એના પગની પિંડીઓ ઉપર હું તાકી રહેતી. કોણ જાણે મારી દૃષ્ટિ એના દેહના બીજા કોઈ અંગ પર નહિ ને આ પગની પેશીદાર પિંડીઓ ઉપર જ ચોંટી રહેતી: જાણે કે એ દૃષ્ટિ વાટે હું રસિકની પિંડીઓ ઉપર મારા આંગળાં દાબતી! અને ઓ મારા બાપ! મને થતું કે કર્ણને જેમ સૂર્યદેવે વજ્રનો દેહ કરી દીધો હતો, તેમ આ રસિકને પણ શ્રમદેવતાએ લોખંડી પગનું વરદાન દીધું હતું.

હાય રે, આવા ડાઘા ડાઘા પગપાળા ફેરિયા વેરે મને પરણાવવાની વાત! હું થરથરી ઊઠતી. હું, તેર વરસની તારા, હવે ઘરની ડેલી બહાર