પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નીકળવાની મનાઈ પામેલી. કોઈ આવે-જાય તેની નજરેય પડવાની મને બંધી કરી હતી બાએ; એટલે મારા સંસારમાં તે દિવસે એક માનવી હતો આ રસિક છાપાવાળો અને બીજા હતા બાપાજી. મારી કલ્પના રમતી હતી પેલા શેઠ-ઘરની સુંદર ઘોડાગાડીની અંદર, ચાર વહુવારુઓના વચ્ચેના કોઈ સ્થાનમાં. મારો સંકલ્પ જાણે કે એ ગાડીમાં ચઢી બેસી એ ચાર માંહેલી એકાદને ધક્કો દઈ ખેસવી રહ્યો હતો. હું જાણે એ સહુથી નાના શેઠ-પુત્રની બીજી વારની ધ્રાંગધ્રાવાળી વહુને ભવાં ચડાવીને કહી રહી હતી કે, 'ઊઠની હવે! ત્રણ વરસ તો તને થઈ ગયાં. ઉધરસ તો તને લાગુ પડી ગઈ છે; ઝીણો તાવ પણ તને રાતમાં આવી રહેલ છે. તો પછી હવે, ભલી થઈને, ઊઠ, મારે માટે જગ્યા કરી દે. મારે એ ડાઘા પગવાળા રસિકડાને નથી પરણવું.' એ રસિકડો કોઈ કોઈ વાર એની ઘરડી, આંધળી, વિધવા માને દોરીને દવાખાને લઈ જતો હોય ત્યારે હું (દસ વર્ષની હતી ત્યાં સુધી) ખડકી બંધ કરીને અંદર પેસી જતી. માડી રે! એટલી તો મને બીક લાગતી! 'મારે એને ઘેર રોટલા ટીપવા નથી જવું.'

બે'ક વર્ષો બીજા ગયાં. હું પંદરમા વર્ષમાં પહોંચીને ઘરની સંપૂર્ણ બંદિની બની ગઈ. તે અરસામાં તો મારી અને બાની (કદાચ બાપાજીની પણ) સંયુક્ત પ્રાર્થનાને જોરે શેઠ-ઘરમાં આટકોટવાળી વહુનો ખાટલો ઢળાયો.

છ મહિના સુધી રોજેરોજ પંદર-પંદર મહેમાનો એ મંદવાડની ખબર કાઢવા ઊમટ્યાં, ઘોડાગાડીના ઘૂઘરાના ઝંકાર વગર એક પણ રેલગાડીનો સમય ખાલી નહોતો જતો. મધરાતે ને પરોઢિયાની થરથરાવતી ટાઢમાં હું મેડીની પથારીએ સૂતી સૂતી એ મારા પ્રિય ઘોડાનાં ધીરાં પગલાં પર કાન એકાગ્ર કરતી: ખબ... ખબ... ખબ...: જાણે કોઈ ભૂત શેરીમાં એક પગે ખોડંગાતું આંટા મારી રહ્યું છે; આટકોટવાળી વહુનો કાળ જાણે કે છેલ્લાં ઘડિયાળાંની વાટ જોતો ટહેલે છે. ઘોડાના શરીર પર કોચમેનનો ચાબુક-ફટકો ચોંટતો, તેનો સમસમાટ પણ મારી સોડ સોંસરો સંભળાતો.

મંદવાડ સારુ મુંબઈથી ફ્રુટના કરંડિયા ઊતરતા, તે લેવા સારુ પણ