પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતી; પણ શેઠવાળાઓએ જીદ કરી કે "એમાં અમારી શી શોભા! રાજકોટ શહેર શું બોલશે? કહેશે કે, શેઠવાળા એ રેલભાંડાની બીકે, અથવા રાજકોટ મહાજનના લાગા ચૂકવવા પડે તે બીકે, લોભમાં પડીને ત્યાં ને ત્યાં પતાવ્યું. એવું ઘરઘરેણું નથી કરવું અમારે. અમારા મોભાને છાજતી જાન જોડીને આવશું. તમને એમાં ઘસારો લાગતો હોય તો સુખેથી રૂપિયા ૫૦૦ ખરચીના લેજો."

મારા પિતાનું માથું આ સાંભળીને ફાટ-ફાટ થવા લાગ્યું; પણ બાનાં મેણાએ એને ચૂપ બનાવી દીધા. ટૂંકામાં કહી નાખું છું કે અમે રાજકોટ ગયાં, ત્યાં જબ્બર જાન આવી, શહેરનાં ચારેય બેન્ડો બોલાવવામાં આવ્યાં... અનેક જાનૈયાઓ માટે મોળાં શાક, ઘીના મોણવાળી રોટલી, ગળેલા ભાત, તાંદળિયાની ભાજી, તીખાંનો ભૂકો, તળેલી હીમજ, કમાવેલી સૂંઠ, અરધા દૂધની ચા ઇત્યાદિના અનોખા અનોખા સ્વાદ, તબિયત અને શોખ સાચવવામાં મારી બાએ ત્રણ દિવસ સુધી એકલા હાથે અવધિ કરી નાખી. પણ એક દિવસ જેઠજીને માટે ગલકાંનું શાક છેક જામનગરથી પણ ન મળી શક્યું તે વાતે આખી સરભરા ઉપર પાણી ફેરવી વાળ્યું. મારા બાપુની આ 'કંજૂસાઈ' અને 'બેપરવાઈ' સારી પેઠે તિરસ્કાર પામી.

"તમને નહોતું કહી રાખ્યું પ્રથમથી જ - કે, ભાઈ, જે ખરચ તમે ન ભોગવી શકો તે મજરે લેજો!" મારા જેઠજી ઉશ્કેરાઈને બોલી ઊઠ્યા: "છતાં તમારો સ્વભાવ તમારી જાત ઉપર જઈને ઊભો રહ્યો, શેઠ! જે અમને છ ટંક ન સાચવી શક્યો, તેનું પેટ અમારા ઘરમાં આવીને શું દા'ડો ઉકાળવાનું હતું!"

"મોં સંભાળીને બોલો, શેઠ!" મારા બાપાજીએ મિજાજ ખોયો: "તમારી શાહુકારી તમારે ઘેર રહી..."

"હાં! હાં! હાં!" કરતાં કુટુંબીઓ, સંબંધીઓ, ગામલોકો અને, ખાસ કરીને, જેઓની કન્યાઓની આડેથી હું આ સૌભાગ્ય ઝડપી ગઈ હતી તેઓએ બધાએ આવીને મારા બાપને મોંએ હાથ દીધા: "દીકરીના બાપનું આ કામ છે, ભાઈ? દીકરીનો બાપતો મોંમાં ખાસડું લેવા લાયક કહેવાય.