પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જો દીકરીનો બાપ ઊઠીને બગાડે, તો તેનાં પ્રાછત ભોગવવાં તો રહ્યાં પોતાના સંતાનને જ ને, ભાઈ!"

બાપ બોલ્યા કે "એમ હોય તો હું હમણાં ને હમણાં દીકરીના ગળામાંથી વરમાળા કાઢીને ફગાવી દઉં છું: મારે એવી નથી પડી કોઈની!"

"અરે, બોલો મા... બોલો મા, શેઠ!" સર્વ લોક મારા બાપને વારવા લાગ્યા: "પરણી લીધેલ કન્યા તો ઊતરેલ ધાન બરાબર લેખાય, ભાઈ! ક્યાં જઈ એનો અવતાર કાઢે? તમારાથી આવું ન બોલાય: ટાઢા પડો; પાઘડી ઉતારીને વેવાઈની પાસે માફી માગો."

"મારે પાઘડી નથી ઉતારવી."

"તો એને સાટે અમે સહુ ઉતારીએ છીએ, શેઠજી!" ગામલોકો - ખાસ કરીને પેલી મારા સૌભાગ્યથી વંચિત રહેલી કન્યાઓના પિતાઓ - પોતાની પાઘડીઓ ઉતારીને જેઠજીના પગમાં પડ્યા; બોલ્યા: "એ તો છોકરું છે; પણ અમે ઘરડા બેઠા છીએ ને રાજકોટની લાજ એમ કાંઈ જાવા દેશું? અમે માફી માગીએ છીએ..."

મારા પિતાજીનો ઉત્તાપ આ બધી વેર-વસૂલાત નિહાળીને માઝા મેલતો હતો.

જેઠજીએ ઉદાર બનીને સહુને જવાબ દીધા: "અમારે તો એ વાતનું કશુંય મનમાં નથી; પણ અમે સરખું કુળ ન જોયું, અમારી વડ્ય ન જોઈ - ફક્ત કન્યાના વખાણ પર જ અમે દોરવાઈ ગયાં - એટલે અમારે આજ આરંભથી જ વેઠવાનું બને છે ને, ભાઈ! હશે. અમને એ વાતનું કંઈ નથી. અમે જો મોટાં મન ન રાખીએ તો વહેવાર ક્યાંથી ચાલે? જેવાં સંચિત અમારાં! પણ તે વાતનું અમારે કંઈ નથી... માણસો જે સામા કુળની ખાનદાની જુએ છે તે કાંઈ અમસ્થાં જોતાં હશે, ભાઈ! પણ હશે: ખેર! અમારે એ વાતનું કશું જ નથી... આ તો સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું બન્યું. પણ તે તો હશે! અમારે એ વાતનું કશું નથી."

જમવાને ઉતારે અંદરના ઓરડામાં બેઠાં બેઠાં મેં અને મારી બાએ કજિયો કાનોકાન સાંભળ્યો. મારી બા આંસુ પાડતાં હતાં. હું રડવા