પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાલાયકી એ જ બધાંની વાતનો, ઠઠ્ઠા-મશ્કરીનો ને રોષ-ધિક્કારનો મુખ્ય વિષય હતો. મારું મોં ઘૂમટામાં હોવાથી તેઓ બેવડાં જોરથી મારું અભિમાન હણી રહ્યાં હતાં.

"બીજું તો ઠીક..." મારા જેઠે કહ્યું: "પણ આપણે જેઓને દુઃખી કરીને પારકે ઘેર લઈ ગયાં હોઈએ, તેમની કેવી દશા કહેવાય? એનું આંખ-માથું દુઃખે એ આપણે માટે તો મરવા જેવું ને, ભાઈ!"

આ વચનમાં મારે માટે ઊંડો દિલાસો હતો: આ લોકોને દરેક મનુષ્યના રક્ષણની કેટલી કિંમત છે! હું કેવા પ્રેમાળ ઘરમાં પડી!

[૪]

લગ્નની પહેલી રાત:

તે દિવસોમાં મારી વહાલસોઈ બેનપણીને પણ હું એક અક્ષરેય ન કહી શકી હોત. આજ મને થાય છે કે જાણે એક ચોપડી લખી કાઢું. પણ નહિ, નહિ; એ રાતના ત્રણ પહોર કોઈ શબ્દોમાં બાંધ્યા બંધાય તેવા નથી. મારું આખું શરીર જાણે હમણાં ઓગળીને પાણીની અંદર સાકરની કણી જેવી દશા પામી જશે. જાણે રૂના પૂમડા જેવી બનીને હું પવનવેગે ઊડી જઈશ. અગરબત્તીની માફક મારાં અંગેઅંગ બળી જઈ સુગંધીદાર ધુમાડાનાં ગૂંચળાં ફોરાવતાં આકાશે ચઢાતાં હતાં. મારું હ્રદય કોઈ ધૂપિયું બની રહ્યું હતું. કોઈ દિવસ મેં ક્યાંયે ન વાંચેલું, ન સાંભળેલું, ન સ્વપ્નેય અનુભવેલું એવું ગુંજન મારા શરીરની કણીયે કણીમાંથી ઊઠતું હતું. બા કોઈ વાર કપૂરનો કટકો લઈને અંગારા પર મૂકતી હતી તે મને યાદ હતું: હું જાણે કે એ કપૂરની સળગતી પૂતળી બની ગઈ હતી. મને બહુ ન ભણેલીને, અજ્ઞાનીને, અબૂધને, ગઈ કાલ સુધી પાંચીકે રમનારીને આ કોણ છાનુંમાનું અંતર્ધાન રહ્યું રહ્યું રુંવાડે રુંવાડે જીવનની એક અજબ ગોષ્ઠિ કરી રહ્યું હતું? કરોડો મારા જેવી કન્યાઓને શું એ એક જ અદૃશ્ય મિત્ર સદા આ રહસ્ય શીખવી રહેલ છે?

મોડી રાત્રે શેઠ-પુત્ર આવ્યા. એના ચહેરા ઉપર મીટ માંડતાં જ, કોણ જાણે શાથીય, હું થીજી ગયા જેવી થઈ રહી. એને હું ગમીશ કે નહિ ગમું