પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તમારે પગે લાગું, ભાભીજી!" મારાથી કહેવાઈ ગયું: "તમે મારા ઉપર સૂઝે એટલું કહો, પણ મારા બાપને બચાડાને શા સારુ વારે ને ઘડીએ વાતવાતમાં વચ્ચે નાખો છો? એણે શું બગાડ્યું છે તમારું કોઈનું? જેવા સહુના બાપ, એવો જ મારો બાપ..."

મારી આંખો લાલ બની, ને પછી તેના પર ઝળઝળિયાં ફરી વળ્યાં. મારી આંખો આડે મારા બાપુની મુખમુદ્રા તરવરી ઊઠી, અને હું ઊઠીને રસોડાની બહાર ચાલી ગઈ - મારાં આંસુ ખાળવા. દેરાણી-જેઠાણીઓએ માન્યું કે મેં છણકો કર્યો. બધાં શું બોલ્યાં તે મારાથી સંભળાયું જ નહિ.

હું ઊભી હતી ઓસરીની થાંભલીની આડશે: ઘોડો ઊભો હતો ગાડીએ જૂતેલો. એ મૂંગું પશુ ઓટા પર પડેલા તપેલામાં ચોટેલા ગઈ રાતની ચંદીના ચાર ચણા-દાણા તરફ ડોકું ખેંચતું હતું. કૂંડીમાં એઠવાડનું પાણી પડેલું, તે તરફ લંબાઈને એ ખોંખારતો હતો. રાતમાં બહુ ટાઢ પડેલી, તેથી સાઈસ એને ઘાસ નીરવા ઊઠી નથી શક્યો. એમ મને લાગતું હતું. મને થયું કે એક પૂળો લાવીને એના મોં પાસે મૂકું. ત્યાં તો મેડી ઉપરથી ધડબડ ધડબડ મહેમાનો ઊતર્યા, અને ઘોડાનો આડોઅવળો ગરદન લંબાવતો દેખીને બોલ્યા કે "સાળો આ સાતમો ઘોડો કજાત્ય નીકળ્યો. એની મા તો હતી અસલ ચોટીલાની ચાંગલી; પણ બાપ કોઈક ટારડો પડી ગયો હોવો જોઈએ."

ઘોડાના બાપની બદબોઈ સાંભળ્યા પછી મને એક સુખ એ થયું કે ઘરમાં જાણે મારો એક સગો ભાઈ જીવે છે! ને હવે મને નાનપણની વાત યાદ આવી કે રોજ ખડકીએ ઓટલે બેસીને હું જેની નસીબદારીના વખાણ કરતી તે ઘોડો એકનો એક નહોતો: દર વર્ષે-બે વર્ષે બદલાયા કરતા એ નવા નવા ઘોડા એકના મડદા ઉપર જ આવતા હતા.

ચોરીછૂપીથી હું વારંવાર ઘોડાને ચણા ખવરાવી આવતી. પગી ન હોય ત્યારે પાણી પણ પાતી; એકસામટા પાંચ પૂળા ઘાસના પણ નીરતી. એક વાર નાના દિયરજી બહુ જ ભઠેલા કે આમ ખડ નાખીએ કોણ આ બગાડ કરી રહ્યું છે? હું થરથરી રહી હતી. પણ રોષ બધો ભગા સાઈસ