પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉપર ઠલવાઈ ગયો ને ઘોડા સાથેનો બધો મારો ભાઈ-સંબંધ વધારે ગુપ્ત બન્યો.

[૫]

બારેક મહિના થઈ ગયા હતા. રાતની ગાડીમાં પાંચ મહેમાનો ઊતર્યા હતા. જામનગરથી તેઓ દીકરીના વેવિશાળ સારુ એક બીજવર મૂરતિયાને જોવા આવેલા. ઘોડો સ્ટેશને જઈને તેઓને ખેંચી લાવ્યો.

સાંજરે ગામના અધિકારીઓને, મામલતદાર સાહેબનો દીકરો પરણી આવેલો તે અવસરની ખુશાલીમાં, અમારે ઘેર ચા-પાણી હતાં. તેની ધમાલમાં અમે સહુ માંડ નવરાં પડેલાં. એટલે થાકેલું મારું શરીર નવાં મહેમાનો માટે રોટલીનો લોટ માંડી, ચૂલામાં છાણાં ભરીને મહેમાનો જમવા ઊતરવાની વાટ જોઈ બેઠું હતું.

પણ આવતાંની વાર જ મહેમાનોએ ચા પીધી, તેથી વાળુ કરવા ઊતરવામાં કંઈક મોડું થતું હતું. મોટાં જેઠાણી પિયર ગયેલાં. નાનાં ભાભીજી ચીકાને મોટી ઉધરસ થઈ હોવાથી એને રડતો છાનો રાખવા ઓરડે ધવરાવતાં હતાં. દેરાણી એની એક બંગડી ખોવાઈ હતી તેથી ફાનસ લઈ ઘર તપાસતાં નોકરોને પૂછપરછ કરતાં હતાં.

મારી આંખે ચૂલા પાસે બેઠાં બેઠાં ઝોલું આવી ગયું - ને ઓચિંતાનું મારું લમણું ધગતાં હું જાગી: જોઉં તો ચૂલાનો તાપ મારી એક બાજુની લટને લાગી ગયેલો. સારું થયું કે બળીને એકલી લટ જ ખરી ગઈ. પણ, હું સળગી ગઈ હોત તો શું થાત - એ ફડકામાં ને ફડકામાં રોટલીઓ બગડી. પરોણાઓને ખાવામાં મઝા ન આવી, એવું મારા પતિને લાગ્યું.

મારી લટ બળી ગયાની વાત સાંભળીને તે તો કંઈ બોલ્યા નહિ; પણ સગાસંબંધીઓનાં બૈરાં આ સાંભળીને હસી પડ્યાં: "વાહ રે, વહુ, તમારું ભાન! આ તો ઠીક, ઘરનાં પુણ્ય જબરાં છે તે એટલેથી પતી ગયું; પણ કાંઈક આડું અવળું થઈ બેસત તો દુનિયા તો ઘેલસાગરી એમ જ હાંકત ને કે, ગમતી નો'તી એટલે સળગાવી મેલી!"

મને પણ એમ જ થયું કે, આટલા ખાતર પણ હું જીવતી રહી એ સારું થયું. બીજું કંઈ નહિ, પણ મારા પતિને અને ગામના ફોજદારને કંઈક