પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આડવેર હોવાથી (લોકો મૂવાં એ આડવેરની કંઈ કંઈ વાતો કરે છે!) પોલીસ એને ખૂબ હેરાન કરત.

જેમ જેમ માણસો ઘેર આવતાં ગયાં તેમ તેમ જેઠજી સહુને જાણ કરતા ગયા કે "કાલે તો, ભાઈ, તારાવહુની જમણા લમણાની લટ બળી ગઈ ચૂલે." સહુને ખબર પડી ગઈ કે મને ઝોલું આવી જવાથી આ બન્યું. સહુનું કહેવું એમ થયું કે, આવું ઊંઘણશીપણું તો આજ નવી નવાઈનું સાંભળ્યું. તો કોઈ ટીખળી હતા તેઓએ મારા પતિને વ્યંગ કર્યો કે, "ભાઈ, હજુ ક્યાં જુવાની નાસી જવાની બીક છે તે આમ જાગરણ ખેંચાવો છો! શું વાંચી નાખો છો એવડું બધું! પરણ્યાં વરસ વીત્યું તોયે વાતો નથી ખૂટી શું!" વગેરે વગેરે.

એ તો ઠીક, પણ એકેએક જીભને ટેરવે એમ બોલ તો રમતો રહ્યો કે, "ઘરનાં મોટાં પુણ્ય, ભાઈ, કે વહુ બચી ગયાં. આ ખોરડું તો ધરમનો થાંભલો છે."

મને થતું હતું કે, મારાં બાપુનાં કે મારાં પોતાના પુણ્ય કશાં હશે જ નહિ શું?

વળતે દહાડે મારા જેઠજીએ કૂતરાંને એક મણ લોટના રોટલા, પારેવાંને એક ગુણી જુવાર અને બોકડાને દસ શેર દૂધ વગેરે ધર્માદો જાહેર કરી ગામમાં જેજેકાર વર્તાવ્યો.

મારા લમણાના બળેલ ભાગ ઉપર ફરફોલો ઊપડેલો તે રાતમાં, પતિની સરત ન હોવાથી, ફૂટ્યો. મને કાળી વેદના ઊપડી. પણ દવાખાને જવા માટે સવારે ઘોડાગાડી નવરી નહોતી - ક્યાંઈક વરધીમાં ગઈ હતી.

ત્રીજે દિવસે હું દવાખાને ગઈ ત્યારે દાક્તર સાહેબે મને નિરાંતે તપાસી. હું પણ એક ધ્યાન દેવા લાયક, કોમલ સ્પર્શે અને કોમલ શબ્દે અડકવા-બોલવા યોગ્ય છું, કોઈક બે આંખોમાં મને દીઠ્યે અમી ઊભરાઈ શકે છે એ વાતની જાણ મને તે દિવસ પહેલી વાર પડી. મારા લમણાની દાઝ્ય દેખીને, 'આવું બેવકૂફ ઘારણ!' અને 'ઘરડાંને પુણ્યે બચ્યાં!' એવું ન ઉચ્ચારનાર આ પહેલાવહેલા જ માનવી મળ્યા: "કાંઈ