પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફિકર નહિ, બહેન; મટી જશે એ તો: સહેજ જ છે. એ તો બની જાય: શું થઈ ગયું! પણ તમે તો એટલાં સાવધાન કે ભાન ભૂલ્યા વગર એકદમ ઊભાં થઈ ગયાં, ને ગભરાટ વગર વાળ ચોળી નાખ્યા... શાબાશ...! વાહ! તમને હું દવા લગાવું છું, છતાં તમે કેટલું ખમી રહો છો! સિસકારોય કરતાં નથી, બીજું હોય તો ચીસેચીસ પાડે, હો! એવું છે આ દાઝ્યાનું દરદ."

આમ બોલતાં બોલતાં દાક્તર સાહેબે મારી દાઝ્યાની જગ્યાએથી તમામ ખરાબ ચામડીને ચીપિયા વતી ઉપાડી કાતર વડે કાઢી નાખી. પછી મલમ લગાડ્યો. મને વેદના તો ઘણી થતી હતી, પણ દાક્તરના સુંવાળા શબ્દોએ મારામાં હિંમત પણ વધુ જાગ્રત કરી નાખી. "બસ, બહેન, હવે તમે જઈ શકો છો;" દાક્તરે કહ્યું: "કાલે પાછાં આવજો."

તોપણ હું ઊભી રહી.

"કેમ, કાંઈ બીજું કહેવું છે...?"

મેં ચોરની પેઠે ચોમેર જોયું. અમારી ગાડીનો સાઈસ દૂર રસ્તા પર ઊભેલો, તેની દૃષ્ટિની પણ મને બીક લાગી.

"કહો, આવો અહીં..." એમ કહી દાક્તર મને ઓસરીમાં લઈ ગયા: "કહો હવે."

મેં કહ્યું: "મારા અંગના સાંધા તૂટી પડે છે. ઘણાં તેલ ચોળું છું તોય મટતું નથી."

"તમે આંહી પિયર છો કે સાસરે? કોને ઘેર?"

મેં ઓળખાણ આપી - અને દાક્તર બોલી ઊઠ્યા: "કોણ - તું તારા? અરે તારા! તને આ શું થઈ ગયું? ઓળખાતી જ નથી તું તો. તને મેં પાંચ વર્ષ પહેલાં દીઠેલી. પછી તો ક્યાં તારા બાપ તને બહાર જ કાઢતા હતા! તું તો સાવ..."

મેં સંચાની પેઠે ફરીવાર કહ્યું: "સાંધા બહુ દુઃખે છે. ઘણાં તેલ ચોળ્યાં. પણ..."

નિઃશ્વાસ નાખીને દાક્તરે કહ્યું: "તેલ ચોળ્યે ન મટે, બહેન, ન મટે એ સાંધા. એ સંધી-વા નથી, બા! તારો વર..." કંઈક બોલવા જતા દાક્તર