પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાત ફેરવી ગયા: "ક્યાં છે તારો વર? એક વાર એને લઈને આવજે બપોર વેળાએ."

સાઈસ આવ્યો: "ચાલોને હવે! મોડું થાય છે. મારે હજી ગાડીને બીજી વરધીમાં લઈ જવી છે દલ્લા શેઠને ઘેર વરઘોડામાં. મોટાભાઈ ખીજે બળશે."

જતાં જતાં મેં મારી પાછળ એક ઊંડો નિઃશ્વાસ સાંભળ્યો. દાક્તરનો એ નિઃશ્વાસ દરદીઓનાં એક પછી એક નામ પોકારનાર કમ્પાઉન્ડરના બુલંદ સાદમાં દટાઈ ગયો. મેં ગાડીમાં ચડતાં ચડતાં પાછળ જોયું: દાક્તર હજુ ઓસરીમાં ઊભા હતા; દરદીઓ એનાં મોં સામે તાકીને કશુંક કૌતુક થયું હોય તેમ જોતાં હતાં.

આ રીતે ગાડીમાં બેસીને હું બરાબર એ જ ઠેકાણે નીકળી કે જ્યાંથી મેં, નાનકડી તારાએ, આ ઘોડાનું ને ચાર વહુઓનું સદ્ભાગ્ય વારે વારે જોયું હતું - ઝંખ્યું હતું. આજ અત્યારે ફરીવાર જાણે મારો જીવ મારા ખોળિયામાંથી છલાંગ મારીને એ ઓટા ઉપર બેસી ગયો. ફક્ત ચણિયો અને ચોળી પહેરેલ નાની તારા એ પથ્થર ઉપર નવકૂંકરીના લીંટા કાઢવા લાગી; ને નાની તારા મને, મોટી તારાને, પૂછવા લાગી: 'મોટી તારા! તારાં કોણી લગીનાં ઘરેણાં કેમ હવે લબડી પડ્યાં છે! તારી ચપોચપ બંગડીઓ કાં ઊતરી ગઈ! તારા બાજુબંધની સાંકળી બે તસુ જેટલી કેમ બાંધી લેવી પડી! મોટી તારા, ઘૂમટો ખોલ!'

હું - નાની તારા - જાણે કે ચીસો પાડતી રહી... ને મોટી તારાને લઈ ગાડીવાળો કોઈ ચોરની પેઠે નાઠો. ઘોડાની પીઠ પર ચણચણતા એ કૂમચીના પ્રત્યેક ઘાએ જાણે મારા બરડામાં કોરડો ફાટતો હતો.

"દાક્તરને તો બીજો ધંધો નથી;" મારા પતિએ મારી તે દિવસની વાત સાંભળીને કચવાતે સ્વરે કહ્યું: "હરકોઈ ઇલાજે પ્રેક્ટીસ ચલાવવી છે! ઇંજેક્શનો મારવાં છે મોટા ઘરની બૈરીઓને! આપણે એ ધંધે નથી ચડવું."

મારી સંગાથે એ આવ્યા નહિ. બીજી વાર હું દાક્તર કને ગઈ ત્યારે