પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દાક્તર મારા વરની અનિચ્છા પારખી ગયા; કહે કે, "કંઈ નહિ... કંઈ ખાસ જરૂર નહોતી. બની શકે તો આટલું કરજો: પ્રસવ થાય કે તરત જ બાળકની આંખોને તમારા કોઈ સમજદાર વૈદ્ય-દાક્તરને હાથે ધોવરાવીને અંદર દવા નખાવી દેજો. ગફલત કરશો નહિ - નહિ તો બાળકનો ભવ બગડશે, બહેન!"

આવી ભલામણનો અર્થ મારાથી કશો જ સમજાયો નહિ. મેં કદી એવું સાંભળ્યું કે જાણ્યું નહોતું. મને વહેમ પેઠો કે, દાક્તરને 'વિઝિટ' જો'તી હશે. મેં કોઈને કહ્યું નહિ.

[૬]

તે દિવસે રાતે બે બજ્યે મારા સસરા પ્રતાપરાય શેઠની એ આલેશાન હવેલીના એક છેવાડા અને અંધારિયા ઓરડામાં હું અધભાન ગુમાવીને સૂતી હતી: મારી આંખો ફાટી રહી હતી: મારા શરીરને એકસામટા સો કાળા નાગ જાણે ભરડો લેતા હતા: ગીધડાં મારા પેટમાંથી જાણે જીવતા લોચા તોડી તોડી ખાતાં હતાં: હું બૂમો પાડતી હતી કે, "મારા દાક્તરકાકાને કોઈ બોલાવો! કોઈ મારા દાક્તરકાકાને કહો કે, તારા મરે છે..."

"હવે પડી રે' ને છાનીમાની!" કહીને બે સુયાણીઓ મને દબાવીને ખાટલે ચડી બેઠી હતી.

મારા વર ઓસરીમાં ઊભા હતા. મારી ચીસો એને કંપાવી રહી હતી. એના શબ્દોમાં તે રાતે પહેલીવહેલી મીઠાશ હતી: "જીવીમા! દાક્તરની જરૂર છે?"

"અરે બાપા, એ તો પહેલી સુવાવડમાં એમ જ હોય. તમેય શું આવાં ગાંડાં કાઢો છો!"

બાર કલાક હું બેશુદ્ધ રહી. કહે છે કે વારે વારે મારે મોંએ ફીણ આવી જતાં હતાં.

આખરે થાકીને મારા વરે દાક્તરકાકાને તો નહિ પણ એક ભેળસેળિયા જ્ઞાનવાળા વૈદ્ય-દાક્તરને તેડાવ્યા. એની ફી ઓછી હતી.

હું જ્યારે પ્રથમ પહેલી શુદ્ધિમાં આવી ત્યારે મારે કાને મારી જણેલી