પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દીકરીની કાળી ચીસો, સીસાના ઓગળેલ રસ જેવી, રેડાતી હતી. મેં બોલવા ઘણી મહેનત કરી કે, દાક્તરકાકાએ કહ્યું છે એની આંખો તપાસો ને ધુઓ પણ અવાજ નીકળ્યો જ નહિ.

ચાર કલાકની અણભંગ ચીસો પછી બાળકનો થાકેલો કંઠ વચ્ચે વચ્ચે અટકી પડવા લાગ્યો. એને મારી પાસે ધવરાવવા લાવ્યા...

ઓ મારી દીકરી! મારું પહેલું બાળક! મારું ફૂલ! એની આંખો ઉપર સોજા ઊઠીને માંસના લોચા થઈ ગયા હતા - આંખો રહી જ ક્યાં હતી? માંસના એ લોચાઓનાં કોઈ ઊંડાણોમાંથી આંસુ ઝરતાં હતાં.

"દાક્તરકાકાને બોલાવો! આની આંખો જશે: મારું કોઈ માનો!" મેં ચીસ પાડી.

વરને પણ સ્થિતિ ગંભીર ભાસી દાક્તરકાકા આવ્યા. પ્રથમ તો એણે દીકરીની આંખો ધોઈ, ટીપાં નાખી, રૂના પોલ બાંધ્યા. પછી એણે વરને બીજા ઓરડામાં લઈ જઈ શું કહ્યું? અરેરે મારા કાનને શા સારુ ઈશ્વરે આટલા બધા સરવા કર્યા?

"નવનીતરાય!" કાકાએ કહ્યું: "આ બે જીવ તમારા રોગના ભોગ બન્યા છે. દીકરીની આંખો ગઈ છે. ફરીથી હવે આને પ્રસવ કરવા ન પડે તો વિશેષ હત્યામાંથી બચશો. તારા અપંગ બનશે. ગાંડી બની જશે. તમારો રોગ તમે ક્યાંથી લઈ આવ્યા છો તે હું જાણું છું."

મારા વર થીજી ગયા. "જરા વાર ઊભા રહો, દાક્તર!" કહીને એ મેડી પર ગયા. ત્યાંથી આવીને કોણ જાણે કશુંક દાક્તરને આપવા લાગ્યા..."કૃપા કરીને વાતને અહીં જ દફનાવશો, દાક્તર?" એટલું કરગર્યા.

દાક્તરકાકાનો અવાજ નીકળ્યો: "એક હજાર આપો તો પણ ગૌમેટ છે મારે. તારા મારી પુત્રી છે. પણ વાત દફનાવવી તો તમારા હાથમાં છે. ફરી વાર તારાના દેહની આ કમબખતી કરશો તો હું શેરીએ શેરીએ ચીસ પાડીશ."

દાક્તરકાકા ગયા. મારી નાની સૂરજને એની દવાથી પીડા શમી છે; પણ આંખનાં રત્નો ફૂટી ગયાં, તે હવે પાછાં નથી આવવાનાં...