પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


અમારા ગામનાં કૂતરાં


અમારા ગામનું નવું નામ 'શ્વાનનગર' પાડવાનો ગંભીર વિચાર એક વખત ચાલ્યો હતો.

આ વાતને તમે હસવામાં ન ઉડાવી દેશો. પૂછો મારા ઉકરડાકાળના ભાઈબંધ ટભા મસાણિયાને: એ રહ્યો ટભો જૂનાગઢમાં. હજુ તો જીવતો બેઠો છે. એ સાક્ષી પૂરશે કે, રાત્રે અમે બન્ને પલિતનાથની જગ્યામાંથી ગાંજો પીને પાછા ફરતા, ત્યારે ગામનાં ભસતાં કૂતરાંને અમે જવાબ દેતા કે, "રૈયત!"

'રૈયત' એવો શબ્દ સાંભળીને કૂતરાં ભસવું અટકાવી, પાછાં ગૂંચળાં વળી પડ્યાં રહેતાં. પોલીસ-ખાતાના રાત-ચોકિયાતોની આટલી બધી સાન જે ગામનાં કૂતરાંમાં આવી ગઈ હોય, તે ગામનું નામ 'શ્વાનનગર' પાડવાના પ્રસ્તાવને તમે મશ્કરી કાં માની લ્યો છો?

એક શેઠિયાએ તો અમારા દરબાર સાહેબને રૂબરૂ મળી અરજ કરી હતી કે, 'બાપુ, આ ગામમાં હવે પોલીસના આટલા મોટા બેડાની શી જરૂર છે? પોલીસનું કામ તો પોલીસનાં કરતાં પણ આપણાં કૂતરા સારી રીતે બજાવે છે: ચોરને જો પોલીસેય નથી ટપારતા, તો કૂતરાં પણ ચોરને ભસતાં નથી; ને સજ્જનને જો પોલીસ સતાવી શકે છે, તો કૂતરાં પણ સજ્જનને કરડી લ્યે છે.

"ઉપરાંત, પોલીસને ન નભાવવાનું બીજું પણ એક કારણ છે: કૂતરાં પોલીસને દેખીને જ રૂવે છે: ખાખી લૂગડું દેખતાંની વાર તેમના વિલાપ-સ્વર શરૂ થાય છે. પ્રત્યેક શેરીનાં કૂતરાં પોલીસના ચોકિયાતને સામી શેરી સુધી સહીસલામત પહોંચતા કરવાની પોતાની ફરજ એટલી તો વધુ પડતી