પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રીતે સમજી ગયાં છે કે કૂતરાંને આખી રાત જંપ વળતો નથી. કૂતરાંનો એ અજંપો વસ્તીને પણ રાતોરાત જાગતી રાખનારો થઈ પડે છે.

"આટલો બધો સંગીન બંદોબસ્ત રાખવાની તાલીમ જો કૂતરાંને આપોઆપ જડી રહે છે. તો આ શહેરમાં નાહક પોલીસનો ખરચો નભાવવાની રાજને શી જરૂર છે?"

બાપુસાહેબને આ પ્રસ્તાવ પસંદ પડ્યો હશે તે તો તેમના મોં પર ફરકી રહેલ મધુર હાસ્ય પરથી જ પરખાઈ આવ્યું હતું. મારો ભાઈબંધ ટભો તો આજ પણ તમને એ વાતની તસલ્લી આપવા તૈયાર છે: એ રહ્યો ટભો મસાણિયો જૂનાગઢમાં. જીવતો છે હજુ.

કૂતરાંનો મહિમા અમારા ગામમાં કંઈ ઠાલો મફતનો આટલો બધો નથી વધ્યો. કૂતરાંની સેવા-ચાકરી તો અમારા ફૂલા શેઠને હાજરાહજૂર ફળી છે. સારા પ્રતાપ કૂતરાંના કે અમારા શહેરની દેદીપ્યમાન હવેલી ફૂલાશેઠે બંધાવી. પગ પૂજીએ કૂતરાંના કે ફૂલા શેઠે ગામની પાંજરાપોળને, ગામનાં ઠાકર-મંદિરોને, પાઠશાળાને, પુસ્તકાલયને, અવેડાને, પારેવાંની છત્રીને - સર્વને નિહાલ કરી આપ્યાં.

અમારી બજારમાં બીડીઓ વાળતો ફૂલિયો રાત પડે ત્યારે કૂતરાંના રોટલાની પેટી ફેરવતો. થોડાક દિવસમાં તો પેટીના ખખડાટ બજારને એક નાકેથી બીજા નાકા સુધી સંભળાતા થયેલા. એ પૈસામાંથી ફૂલિયો લોટ લાવીને હાથે રોટલા ઘડતો. એ રોટલા એણે ફક્ત પાંચ જ કૂતરીને ખવરાવ્યા. છ મહિને પાંચના ચાલીસ થયાં. એ ચાલીસેયના આશીર્વાદ લઈને ફૂલિયો મલાયા ગયો તે દસ જ વર્ષમાં તો લખશેરી થઈને, 'ફૂલચંદ અમીચંદ શેઠ: મલાયાવાળા' એવા નામે, પાછો આવ્યો.

"આટલી બધી માયા, ફૂલા, તું કેમ કરીને કમાયો?" એવું પૂછવા અમારા વડીલો એકાન્તમાં ફૂલા શેઠને મળ્યા હતા.

"મને બીજી તો કશી ગતાગમ નથી;" ફૂલો જવાબ આપતો: "પગ ધોઈને પીઉં આ કૂતરાંના: મને તો એની ચાકરી ફળી છે."

બસ, તે દિવસથી અમારા ગામના વેપારી વાણિયાઓને કોઠે આશાના