પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાઘડી ઉતારી હતી ત્યારે જ એને દંડથી જતો કર્યો હતો.

આવા એક ભરાડી સપાઈને નોકરીમાં રાખનાર મોનો મિસ્ત્રી આખા ગામનું નાક તો વાઢતો જ હતો; તેમાં પાછો આ તૈમુરલંગનો કિસ્સો બન્યો.

"મોનો તો ખાટકી છે - ખાટકી!" એવા અભિપ્રાયો અમે મહાજનને મોંએથી ઝીલીને છેક બાયડી વર્ગને પહોંચાડી દીધા. મારો ભાઈબંધ ટભો ન્યાતનાં નોતરાં દેવા ઘેર ઘેર જતો, તદુપરાંત ન્યાતના જમણવારમાં શાક અને ક્ઢી કરનાર રસોયા તરીકે સહુનો માનેતો હતો; એટલે મોના મોસ્ત્રીનો ધજાગરો બાંધવામાં ટભાની મહેનત વહેલી ફળી ગઈ. ટભાના હાથની બનાવેલી મીઠા લીમડાવાળી કઢીના સબડકામાં જે સ્વાદ હતો, તે જ સ્વાદ સહુ કોઈને ટભા-મુખથી પિરસાતી આ મોનાની વાતમાં પણ આવ્યો.

"હવે મૂકોને વાત, મારી બાઈયું!" મારાં એક ભાભુમાથી આટલું જ બોલાઈ ગયું: "કૂતરાંનો વસ્તાર આટલો બધો વધારી મૂકયો છે તેમાં શી સારી વાત છે? આ નત્ય ઊઠીને કૂતરાંના મેલાં ઊસરડ્યા જ કરવાનાં!"

મારા ભાભુમાને આ બોલ બહુ ભારી પડી ગયા. દેવ-ઠેકાણે પૂજાતાં કૂતરાંની આવડી મોટી ગિલા કોણ ચલાવી લ્યે? મા'જન બેઠું હોય જે ગામમાં, એ ગામની એક વાણિયણના માથામાં શું આટલી બધી રાઈ! એ ન ચલાવી લેવાય. તે જ દિવસથી ભાભુમાને 'હત્યારી', 'ખાટકણ', 'ડાકણ', 'શ્વાનભરખણ' વગેરે શબ્દોનાં આળ ચડતાં થયાં.

મુકદ્દમો ચાલવાના દિવસ સુધી મોનો મિસ્ત્રી મક્કમ રહ્યો. એણે એના ગાડીવાનને કહ્યું: "ફલજી, તું ડરીશ મા; હું તારો પૂરેપૂરો બચાવ કરવાનો છું."

પણ એક... બે ને ત્રણ મુદતો પડી, ત્યાં મોનો ઢીલો પડી ગયો. ગામલોક એને પીંખવા લાગ્યું. ગામની બજારે ગાડી કાઢવી મોનાને મૂશ્કેલ બની ગઈ.

મહાજનનો તાપ એટલો અસહ્ય હતો. મોનાની સાયબી નિસ્તેજ બની; એની હિંમત ખૂટી ગઈ. મોનાએ મહાજનના આગેવાનો આગળ છાનુંમાનું 'મીનો'