પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનેક ચોરીઓના ત્રાસમાંથી આપણને બચાવે છે. કાઠિયાવાડનાં કેટકેટલાં શહેરો-કસ્બાઓ તેમ જ ગામડાંઓ અત્યારે કૂતરાંના કટક વડે આબાદાન બની રહેલ છે! ભલે ફૂલા શેઠની પેઠે નવું નાણું અપાવવામાં કૂતરાં ન ફળ્યાં હોય; પણ જે જૂનું નાણું છે, તેની તો આખી રાત ચોકી કરવાનો આપણો ધર્મ કૂતરાંએ જ જાગ્રત રખાવ્યો છે ને! કૂતરાંના પાળનાર રાજાઓ પ્રત્યે કેટલાંક છાપાં મહાજનોની લાગણી ઉશ્કેરવા મથી રહેલ છે; પણ મહાજને પોતાનું કાળજું છાપાંવાળાને ખવરાવી દેવાનું નથી . (અગાઉ આપણે એમ કહેતાં કે અલ્યા, તારું કાળજું કૂતરાં ખાઈ ગયાં છે! હવે એવી ભાષા અપમાનસૂચક કહેવાય.) એવા રાજાઓ સદૈવ આબાદાન રહ્યા છે તે બતાવી આપે છે કે કૂતરાંની ભક્તિ કૂતરાંના દેવ દત્તાત્રય વ્યર્થ જવા દેતા નથી.

ફલજી સપાઈ કૂતરાને દુભવ્યા પછી કદી સુખી થયો નથી એ વાત ન માનતા હો, તો પૂછો મારા ભૈઇબંધ ટભાને: એ રહ્યો ટભો જૂનાગઢમાં! બળબળતે ઉનાળે કૂવામાં તારોડિયો તબકતો હોય એટલાં જ જળ જ્યારે જડતાં, ત્યારે અમે મહાજન તરફથી પાણીની ટાંકીઓ બળદ-ગાડીઓ ઉપર ચાલુ કરી હતી. અમે એક ગાઉ છેટેના નવાણનું પાણી ભરી ભરી ગામને ઘેરઘેર ટાંકીઓ ફેરવતાં. એક ટાંકીને માથે હું બેસતો, ને બીજીને માથે ટભલો. શ્રીમંત ગરીબનો કોઈ તફાવત કર્યા વિના અમે સહુને પાણીનાં વાસણ ભરી આપતા ગામમાં ઘૂમતા હતા.

એમાં પહેલે જ દિવસે ફલજી સપાઈનો છોકરો માટલું લઈને દોડ્યો આવે. ટભાને મેં કહ્યું કે, "ટભા, હમણાં કશું કહેતો નહીં: ટળવળવા દેજે ખૂબ!" વારે વારે એ છોકરો માટલું ધરવા જાય... ને વારેવારે હું હોશિયાર રહીને ટાંકીની સૂંઢ બીજાના વાસણમાં ઠાલવી દઉં: એને ખબર તો ન જ પડવા દઉં કે હું જાણીબૂઝીને એનો વારો નથી આવવા દેતો. એમ તો હું ને ટભો બેઉ બડા ચકોર છીએ!

પછી તો એ છોકરો રોઈ પડ્યો. મેં કહ્યું: "કાં ભા: એમાં મૂંડકો કેમ બનછ! તને કોઈએ કાંઈ કહ્યું? ગાળભેળ દીધી!"

ડોકું હલાવીને એણે તો આંસુડાં ખેરવાં જ માંડ્યાં. પછી એ કહે