પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાપ પોકારે છે. પાપ લોઢાના થાંભલા ફાડીને પણ ડોકિયું કરે છે.પાપની જીભ કોઇથી રૂંધાતી નથી.

રાતના એ જ વખતે મેં લાહોર કાગળ લખ્યો; એનાં નોટપોપર પર નહિ, સાદા જ કાગળમાં. મારી પાસે કેવા પુરાવા, એના હસ્તાક્ષરના જ, મોજૂદ છે તેની મેં એને મોઘમ ધમકી મોકલી.

લખ્યા પછી મને વિચાર આવ્યોઃ આમ શા માટે? એને લખવાનું શું પ્રયોજન? એનો નાશ કરવાની જ વાત છે ને? તો તો સવારની વહેલી ગાડીમાં જ મુંબઇ કાં ન પહોચું? મજૂરોની હિમાયત કરનારાં વર્તમાન ઑફિસોમાં જ કાં ન પહોચું? મજૂરોની હિમાયત કરનારાં વર્તમાનપત્રોને માટે એક મિલમાલેકની સામે આટલો મસાલો શું ઓછો છે?

પણ તો પછી મને સ્વયંસ્ફુરણા કેમ આ પ્રકારની થઇ? કશુંક કારણ - કોઇ વિધિસંકેત...

હા,હા, સમજાયું. એ નરાધમને બદનામ કરવાનું તો છે જ છે;પણ તે પહેલાં એને દંડી શા માટે ન લેવો? આજે હું ચૂક્યો તો મારો ક્યાં પત્તો લાગશે? હું ક્યાં બીજી કોઇ રીતે ઠેકાણે પડવાનો છું? રૂ.૧૦૦ની પણ નોકરી મને કોણ આપવાનું હતું? ને એક વખતનો પાંચસો રૂપિયાનો દરજ્જો ભોગવનાર હું હવે ક્યાં જઇ ઊભો રહીશ? એણે સેંકડોને લૂંટ્યા છે, તો આ જ હું એ સેંકડોનો બદલો કેમ ન લઉં? કાગળ મેં ટપાલમાં નાખ્યો.

મારો કાગળ પહોંચ્યો ને તાર-ટપાલની દોડાદોડ થઇ રહી. સંદેશા આવ્યા કે "ન મૂંઝાઓ. એક વાર અહીં આવી જાવ. તમારૂં અસલનું સ્થાન સંભાળી લ્યો. રૂપિયા પાંચસો આ સાથે સામિલ છે" વગેરે વગેરે. હું ન ગયો. મારો બદલો એમ કેમ વળી જાય? હું મૌન સેવીને જ બેઠો રહ્યો. મને ખબર હતી કે ત્યાં શા ફફડાટો ચાલશે.

પાંચ જ દિવસ થયા,ને રાત્રિએ મારૂં ઘર શોધતા શોધતા એ કોણ આવી રહ્યા હતા? મારા જુવાન શેઠના ખુદ કાકા! એક કરોડપતિને મારે ઘેર રાતનાં ઠેબાં ખવરાવવાની સત્તા આપનાર એ પરબીડિયાંનો કેટલો ગુણ! કેટલી પ્રભુકૄપા!