પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શેઠના કાકા પ્રભુભક્ત હતા, પવિત્ર નર હતા, પ્રાતઃસ્મરણને યોગ્ય હતા. એના પર મને ઇતબાર હતો. એની એક આંખમાં જુવાન ભત્રીજા પ્રત્યેનો ધિક્કાર જલતો હતો ને બીજી આંખ મારા પ્રત્યેક કરગરીને રડતી હતી.

એણે મૂંગે મોઢે જ પોતાની પાઘડી ઉતારીને મારા પગમાં મૂકી. પોતાના શ્વેત વાળની પૂણીઓ પ્રત્યે એણે આંગળી ચીંધાડી.

-ને હું એમની જોડે લાહોર ગયો. ઑફિસમાં મને કાકાસહેબ લઇ ગયા ત્યારે જુવાન માલિક મોં નીચું ઢાળીને બેઠા હતા. કાકાસાહેબે એ માથાં પર પોતાની મોજડી મારી તો પણ એ માથું ઊંચું નહોતું થતું. અમને બંનેને એકલા છોડીને કાકાસાહેબ બાજૂના ખંડમાં ચાલ્યા ગયા; મને એ કહેતા ગયા, કે "બચ્ચા,તારા જાનનો હામી હું છું ,હો કે?"

જુવાન શેઠે મને ગરીબડા શબ્દોમાં કહ્યું:"ગઇ ગુજરી ભૂલી જાઓ, ભાઇ! મારા મોં પર જૂતો લગાવો. મેં ન કરવાનું કૃત્ય કર્યું છે. મને ઇશ્વર પણ સંઘરશે નહિ."

એનાં નેત્રો ભીંજાયાં. ને મારું પણ હૃદય ભીંજાયું.

મેં એને કહ્યું,"હું જાણું છું. તમે કંઇ હૃદયથી દુષ્ટ નહિ હો. તમારા સંયોગોએ જ તમારું ભાન ભુલાવ્યું હશે. મારે કંઇ વેર વાળવું નથી. હું તો તમારી ઇન્સાનિયતને તક આપવા તૈયાર છું." વગેરે વગેરે.

એમણે મને કહ્યું: "નોકરી માટે નહિ, પણ મને તમારી સોબત મળે ને હું દુઃખ વીસરૂં એટલા ખાતર પણ અહીંનો ચાર્જ સંભાળી લ્યો."

મેં કહ્યું:"સાહેબ, મને મારા ભાવિનો શો ભરોસો?"

"ભાવિનો ભરોસો કેટલોક માગો છો?"

"પચીસ હજાર."

શેઠે ચેકબુક લીધી. મોં મલકાવ્યું. ચકચકિત ફાઉન્ટનપેન ખોલીને હાથો ચડાવ્યો. એક પર એની ટાંકે શબ્દો ટપકાવ્યાઃ"પચાસ હજાર."

મારી સામે જોયુઃ"બસ?"

"ઉપકાર;" કહીને મેં પેલું પરબીડિયું ગજવામાંથી કાઢ્યું. કાઢીને જ્યાં