પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતા ત્યારે બક્ષી માસ્તરે 'કુમાર-સંભવ’ નામનું કવિવર કાલિદાસનું મહાકાવ્ય લગભગ કંઠે કર્યું હતું. હિમાલયનાં હિમ-શૃંગો, ઝરાઓ, હર-ગૌરી બન્નેનાં તપસ્થાનો અને આપણી પ્રાચીન સંસ્કૃતિનાં ઊગમસ્થાનો જોવાનું સ્વપ્ન પણ એ પોતડી પહેરીને ભણનાર એક બ્રાહ્મણપુત્રને મન દોહ્યલું હતું. કોઈ બીજા ઠેકાણાની નોકરી મળી હોત તો બીજી બધી વાતે ચાહે તેટલું સુખસાધન મળત છતાં હિમાલયના સૂર્યોદય ને સૂર્યાસ્ત તો એને માટે કદી ન પહોંચાય તેટલા દૂર જ રહ્યા હોત ને ! આંહીં તો પ્રત્યેક ઉનાળે આખા દેશનાં શીતળ ક્રીડાસ્થળોનાં પર્યટનો સાંપડવાની સગવડ હતી.

જુવાન પત્નીને અને નાનાં બાળકોને પોતાને ગામડે માતપિતા પાસે મૂકી આવીને જ્યારે બક્ષી માસ્તરે ગામડાના નાનકડા સ્ટેશન પર ફર્સ્ટ ક્લાસની ટિકિટ માગી ત્યારે સ્ટેશન-માસ્તરને દોડાદોડ થઈ પડી. પોલીસ કોન્સ્ટેબલે દૂર ઊભે ઊભે આ ફર્સ્ટ ક્લાસ પેસેન્જરના દીદાર તપાસ્યા. એનું બિસ્તર પડ્યું હતું તેમાં કોઈ ચોરીનો અથવા દાણચોરીનો કિંમતી માલ હોવાનો પણ શક ગયો. પણ બક્ષી માસ્તર પાણીદાર જુવાન હતા. એણે એક પણ આડાઅવળા પ્રશ્નનો જવાબ આપવાની ના કહી. માસ્તરને જણાવી નાખ્યું : "કાં ટિકિટ ફાડો નહિ તો તમારા ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ પરનો આ તાર સ્વીકારો."

સર્વ ઉતારુઓને અજાયબ કરતા બક્ષી માસ્તર છેવટે પૂર્ણ દરજ્જાથી પહેલા વર્ગના પ્રવાસી બન્યા. સાંજે ... જંક્શન આવ્યું તે પછી રાતના અગિયાર વાગ્યા સુધી પહેલા વર્ગના ડબામાં ચૈત્ર મહિનાના અંધારિયા પખવાડિયાની મોડી રાતની ચાંદની રેલાતી રહી. અને શેઠની નાની પુત્રી વિશાખાનાં નૃત્ય ચાલ્યાં. મોટી પુત્રી મયંકીએ પોતાનાં ચિત્રોનું એક આલ્બમ તૈયાર કર્યું હતું તે સૌએ જોયું ને તેની ખૂબીઓ પર બક્ષી માસ્તરે ટૂંકી ટૂંકી વિવેચનાઓ આપી. પછી શેઠાણીના દિલરુબા પર બેઠેલા હાથનો પણ પરિચય જડ્યો. બીજા જે બે-ત્રણ સાથીઓને સાથે લીધા હતા તેમણે પોતપોતાની કરામતો બતાવી. આખરે શેઠનો વારો આવ્યો. બક્ષી માસ્તરને સહુથી મોટું આશ્ચર્ય તો એ લાગ્યું કે આડા દિવસનું પોતાનું તમામ