પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કર્યું. પછી વનસ્પતિના શિક્ષક પાસે ગઈ. એમની પાસેથી આ વનરાજિના ગુણદોષ જાણ્યા. સંગીતાચાર્યે વિશાખાને પદ્મા નદીના નાવિકોના ગાનની સરગમ બાંધી આપી. મણિપુરી નૃત્યકારે નદીના નીરની ગતિમાંથી નવો એક નૃત્ય-પ્રકાર વિશાખાને માટે ઊભો કરી આપ્યો.

બે મહિનાના પર્યટનની રસલૂંટ લૂંટીને યાત્રિકો પાછાં વળ્યાં. બક્ષી માસ્તર સીધેસીધા પાછા પોતાના કુટુંબને તેડવા પોતાને ગામ ચાલ્યા.

"ત્યાં રોકાશો નહિ, હાં કે માસ્તર !" શેઠાણીએ કહ્યું: "વિશાખા આ બધું ભૂલી ન જાય તે માટે આપણે તરત જ ’લેસન્સ’ શરૂ કરી દેવાં છે."

[2]

ફરી પાછા માસ્તર એ નાના સ્ટેશને પહેલા વર્ગના ડબામાંથી ઊતર્યા ત્યારે સ્ટેશન-માસ્તર અને પોલીસ-કોન્સ્ટેબલ ચકિત થયા. વળતા દિવસે એ જ જુવાનને કુટુંબ સહિત ત્રીજા વર્ગની ટિકિટ માગતો સાંભળીને સ્ટેશન-માસ્તરની મૂંઝવણ વધી ગઈ.

રસ્તે બક્ષી માસ્તરે પત્નીને પણ પ્રવાસની વાતો કરી. ચાતક મેઘજળને ઝીલે તેટલી મુગ્ધતાથી એ ગ્રામ્ય સ્ત્રીએ પતિના મોંની વર્ણનધારાઓ પીધી.

"પણ વિશાખાબેનની તો શી વાત !" બક્ષી માસ્તરે તમામ વર્ણનોની વચ્ચે વચ્ચે વિશાખાનાં વખાણની વેલ્ય ગૂંથ્યા કરી: "અમે જે કંઈ એક વાર બતાવીએ તે વિશાખાબેન તો પકડી જ પાડે, ભૂલે જ નહિ."

"આ તમારી બબલીય..." માસ્તર પત્નીએ ખોળામાં સૂઈ ગયેલી પોતાની બે વર્ષની છોકરીને મોંએ હાથ ફેરવીને કહ્યું: "આ તમારી બબલીયે અસલ એવી જ થવાની છે, જોજો ને !"

એટલું કહીને બબલીની માએ મોં નમાવ્યું. બબલીના સૂતેલા મોં પર એણે એક ચૂમી ચોડી, એ એક ચૂમીથી ન ધરાતાં એણે ઉપરાઉપરી નવી બચીઓ ભરી. પ્રત્યેક બચીએ એ બોલતી ગઈ: "એવી..ઈ...ઈ જ થશે - જોજોને ! જોજોને એવી ઈ...ઈ જ થશે !"