પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પછી બબલીની બાએ વૈશાખ-જેઠ બે મહિનાભરના બબલીની બુદ્ધિચાતુરીના નાનામોટા પ્રસંગો યાદ કરવા માંડ્યા:

"એક દિ‘ તો બાપુ શ્લોકો ગાતા, તે બબલી એકધ્યાન થઈને સાંભળી રહી.

"રાતે આપણા ચોકમાં રાસડા લેવાય, એટલે બબલીય તે માથે મારી સાડીનું ફીંડલું ઓઢીને હારબંધ ઊભી રહી જાય; પછી તાળીના કાંઈ લે‘કા કરે, કાંઈ લે‘કા કરે ! બધા તો હસીહસીને બેવડ વળી જાય.

"અરે, શું વાત કરું ? મારું કંકુ લઈને એક દા‘ડો તો કાંઈ પોતાનું મોં રંગ્યું‘તું એણે !

"જે કોઈ પંખીને બોલાતું સાંભળે તેની બોલી કર્યા વિના બબલી રહે જ નહિ ને !

"બાપુજીએ તો બબલીના ચેનચાળા જોઈને પચીસ વાર કહ્યું છે કે, આ છોકરી રાંડ મોટપણે શુંનું શુંય કરશે !"

ગાડીનો વેગ વધતો જતો હતો. પણ એનો ગડુડાટ બક્ષી માસ્તરને યાદ રહ્યો નહિ. સ્ટેશનો પણ અણપેખ્યાં જ આવ્યાં ને ગયાં. બક્ષી માસ્તર બબલીનાં પરાક્રમો સાંભળતા રહ્યા. છતાં પત્નીના હસવામાં એનાથી શામિલ ન થવાયું. પત્ની જ્યારે જ્યારે બબલીની કોઈક બુદ્ધિશક્તિ પર આનંદના ઓઘ ઠાલવતી હતી ત્યારે ત્યારે બક્ષી માસ્તરના મોં પર ખારાપાટના પોપડા વળી જતા હતા.

[3]

બીજા બાર મહિનાભર વિશાખાનો જીવન-વિકાસ સર્વ શિક્ષકોના ધ્યાનનું મધ્યબિંદુ બની રહ્યો. વિશાખાને ભણાવનારા માસ્તર સાહેબોની પ્રતિષ્ઠા વધતી ગઈ. જાહેર તેમ જ ખાનગી કલાના સમારંભોમાં નાનકડી વિશાખા નામ કાઢતી જ રહી. એ પરથી કેટલાક અમીરોએ તો સાચેસાચ વિશાખાના વિદ્યાગુરુઓમાંથી કેટલાકને પોતાની નોકરીમાં આવવા લાલચો આપી. અનેક શેઠાણીઓને એકાએક એવું જ્ઞાન થવા લાગ્યું કે એ લોકોની વિશાખા કરતાં પણ વધારે તેજસ્વી બને તેવી અમારી છોકરીઓની શક્તિ