પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે પણ એ લોકોને તો સુભાગ્યે સારા શિક્ષકો જડી ગયા છે તેથીસ્તો !

આ વસ્તુનો ફાયદો વિશાખાના શિક્ષકોને જ થયો. મણિપુરી નૃત્યકારે એક દિવસ દમ દઈ દીધો કે મને તો બીજે ઠેકાણે વિશેષ લાભ મળે તેમ છે. પરિણામે સહુના પગારો વધ્યા. બધા ખુશ થયા. એ ખુશાલીના પ્રવાહમાં ન ખેંચાઈ શક્યા એક બક્ષી માસ્તર. જડ પથ્થર જેવા એ તો બની ગયા હતા.

બાર માસ વીતી ગયા. તે દરમિયાન બબલીને તો બક્ષી માસ્તર સવારનો એકાદ કલાક મળી શકતા; ને સાંજરે બબલી વહેલી સૂઈ જતી તેથી, ઘણુંખરું, પિતા-પુત્રીનું મિલન તો ચોવીસ કલાકે જ થઈ શકતું.

રાત્રીએ બક્ષી માસ્તર બબલીના બિછાના પર લળીને મૂંગા મૂંગા જોયા કરતા. એમના મોં પર શૂન્યતાનો ખારોપાટ ફરી કદી ભીનો થતો જ નહોતો. સવારે રમતી બબલીમાં એને અનેક અણદીઠ શક્યતાઓ નાચતી દેખાતી.

પત્ની પૂછતી: "શું જોઈ રહો છો ? એવડું બધું તે કયું રૂપ દેખી ગયા છો તમારી છોકરીમાં !"

એનો જવાબ બક્ષી માસ્તર ગોઠવી શકે તે પૂર્વે જ પાછી બીજી ગ્રીષ્મ આવી; અને એ સળગતા નગરમાંથી શેઠિયા કુટુંબો શીતળ ગિરિશૃંગો તરફ ઊપડવા લાગ્યાં.

ફરીથી શેઠાણીએ ખબર આપ્યા: "કાં માસ્તર, તૈયાર છો ને ?"

બક્ષી માસ્તરે મૂંગા મોંની હા પાડવા માટે કેવળ માથું જ ધુણાવ્યું. પણ એમની આંખોમાં એક જાતની દયાજનકતા હતી.

"તો પછી તમે કુટુંબને જલદી દેશમાં મૂકી આવો છો ને !"

આ વાક્ય આગલે વર્ષે બક્ષી માસ્તર પોતે બોલ્યા હતા. આ વખતે બોલનાર બદલાયું.

"ભલે." માસ્તરે મંદ જવાબ વાળ્યો.

"આ વખતે તો તમારી નવી શિષ્યાનેયે તમારે તૈયાર કરવાની છે: જાણો છો ને ?" કહીને શેઠાણી સહેજ મરક્યાં.