પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બક્ષી માસ્તર જરા બેધ્યાન હતા.

"કેમ ? યાદ ન આવ્યું ? આપણી રોહિણી ! હવે બે વર્ષની થઈ ગઈ."

શેઠાણીએ પોતાની નાની પુત્રીની વાત કરી.

"હા જી, સાચું." એવો લૂખો જવાબ વાળીને બક્ષી માસ્તર પાછા વિદ્યામંદિરમાં ગયા.

જતાંજતાં એનું મન કશોક એવો બબડાટ કરતું હતું કે ’કાલ વિશાખા હતી, આજે હવે રોહિણી, આવતે વર્ષે કોઈ ત્રીજું નક્ષત્રનામધારી...’

ઘેર જવાની તૈયારી વખતે બક્ષી માસ્તરે બંગલાની બેઠકમાં ગરમાગરમ અવાજ સાંભળ્યો. બહાર ઊભા રહીને એણે કાન માંડ્યા. બાઈ કોને ઠપકો દેતાં હતાં ? શંકરિયાને ? કદી જ નહિ ને આજ શા માટે ? બાઈનો ઉગ્ર અવાજ આવ્યો: "એટલે તું અમારી જોડે નહિ આવે - એમ ને ?"

"નઈ. બાઈ, મને મારે દેશ જવા દો."

"રોહિણી તને આટલી બધી હળી ગઈ છે તેનું શું ?"

"ખરું, બાઈ; પણ મને આ વખતે છોડો."

"એમ કે ?" શેઠાણીના અવાજમાં વેદના હતી: "તમને સૌને અમે ઘરના કરી સાચવ્યા એટલે જ છેવટ જતાં અમને જૂતિયાં આપો છો, ખરું ને ?"

"નઈ, બાઈ, એમ નઈ...!"

"ત્યારે કેમ ?"

"હું ક્યાં એમ કહું છું ?..."

"ત્યારે તું શું કહે છે ?"

"મારેય, બાઈ, દેશમાં મારી છોકરી..." શંકરિયો પૂરું સમજાવી ન શક્યો. પણ બાઈ સમજી ગયાં.

એ પછી વધુ વાતચીત સાંભળ્યા વિના જ બક્ષી માસ્તર મોટરગાડીમાં ચડ્યા. ઘેર પહોંચતાં સુધીમાં એણે આ વખતના પર્યટનનું બધું જ આકર્ષણ કલ્પનામાં ગોઠવી લીધું. આ વખતે તો દક્ષિણનો પ્રવાસ છે. સુખડથી મહેકતો મલબાર: સંગીતધામ બેંગલોર: નાળિયેરની વનરાજિઓ: