પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


શિકાર


વીજળીની કોશ બનાવીને કાળ એક દિવસ ત્યાં હળ હાંકતો હશે. બે-ચાર ઊથલ મારીને એણે ખેડવું છોડી દીધું હશે. એટલે જ સોરઠની એ ચોયફરતી સપાટ જમીનમાં ફક્ત આઠ-દસ ગાઉની અંદર પડખોપડખ ચારેક ઊંડી નજર પડી ગઈ છે.

જર એટલે ઝાડ, પાંદ અને પાણીથી ભરેલી – અથવા તે ત્રણેયમાંથી એક પણ વગરની – ખોયા ભમ્મરિયા ખીણો : દસ બાર મથોડાં ઊંચી ભેખડના કાંઠા વચ્ચે સાંકડી, સૂરજના અજવાળાને પોતાના પોલાણમાં માંડમાંડ પેસવા આપતી નહેરો : ધરતીના કલેજામાં એકાદ-બબે ગાઉના ચીરા : શિકાર-શોખીન રાજાઓને પોતાના દીપડા સંઘરવાનાં મોકળાં પાંજરા.

એવી એક સૂકી જરને માથે ઝૂલતો બપોરનો સૂર્ય ચાલ્યો જતો હતો. રાતનું મારણા કરીને ધરાયેલો એક લાંબો દીપડો જરના એક પોલાણમાં હાંફતોહાંફતો આરામ લેતો હતો. એનું સફેદ પેટ કોઈ છત્રીપલંગના ગાદલા જેવું ઉપસતું હતું. .

પણ આજ એને જાણે હસવું આવતું હતું. ઘણાં વરસો સુધી જરા-કાંઠાનાં માણસોને એણે મૂર્દા જ માન્યાં હતાં. પોતાને ફાવે તે ગાય, ભેંસ કે બકરું ઉઠાવી જઈ જરમાં ભક્ષ કરવાનો એને સાદર પરવાનો હતો. ગામલોકોની ભરી બંદૂકો અને તરવારો લાકડીઓ આ દીપડાને મન તરણાં હતાં. એ જાનવરને પણ સાન આવી ગઈ હતી કે પોતે એક રાજમાન્ય પશુ છે, ને રાજમાન્ય હોવાથી માનુષ્યોનો પણ પોતે હાકેમ છે જાણે જીવતો વેરો ઉઘરાવનાર અમલદાર છે.