પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિવેદન


['ધૂપછાયા']

આંહી રજૂ થતી ચૌદ વાર્તાઓ માંહેની 'વહુ અને ઘોડો', 'જયમનનું રસજીવન','ઠાકર લેખાં લેશે' તથા 'પાપી' એ ચાર વાર્તાઓ ત્રણેક વર્ષ પૂર્વે લખાઈ છે, અને બાકીની બધી ગયા અઢારેક માસના ગાળામાં રચી છે. ફક્ત 'પાપી'નો ઉદ્ભવ એક અંગ્રેજી માસિકની વાર્તા થકી પ્રેરિત છે; બાકીની તદ્દન સ્વતંત્ર છે.

'સ્વતંત્ર', 'મૌલિક' વગેરે શબ્દો આજકાલ ઠીક ઠીક વપરાય છે અને કલાની પરખમાં સારી પેઠે ગૂંચવાડો ઊભો કરી રહેલ છે. જગતના પહેલી કોટિના સાહિત્યસ્વામીઓને બાદ કરીએ તો સ્વતંત્ર સર્જનનો દાવો ઘણા જૂજનો ટકી શકશે. પહેલી કક્ષામાં બિરાજતા ગ્રંથકારો પણ વાચન, અવલોકન અને અમુક બનતા બનાવોની વિગતોમાંથી નવસર્જનના તાર ખેંચી કાઢી તેના વાણાતાણાના અનેકવિધ વણાટ વડે નવલકૃતિઓ ઉતારી ગયા છે. તેઓએ આમ કર્યું તેટલા કારણે જ દુનિયાએ તેમને અમૌલિક, ચોર અથવા ઉધારિયા લેખવ્યા નથી.

એટલે અમૌલિકોમાં ખપવાની કોઈ ધાસ્તીને કારણે આ વાર્તાઓને 'સ્વતંત્ર' કહી ઓળખાવવી પડે છે એમ નથી. 'લેબલ' માત્ર મારવાથી કોઈ કૃતિ જીવતી રહેવાની નથી. એ જીવશે એની પોતાની આંતર્ગત તાકતના જોરે. એ તાકાત તે કૃતિમાં થઈ શકેલા રસાયનમાંથી જ પેદા થાય છે. તત્વોની મેળવણી જો કાચી રહી ગઈ હોય તો એવાં કઢંગા સર્જનોને જીવવાનો હક્ક પણ શો છે? એને જીવતાં રાખવાની જરૂર પણ શી છે?

એટલી ટૂંકી વાર્તાના પ્રદેશમાં આ વાર્તાઓને એમનું સ્વયં પ્રાપ્ત સ્થાન

[5]