પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાખ્યો, અને જવાનોને કહ્યું:"બેટાઓ, ગામ ખોઈ બેઠા છીએ ઈ પાછું મળવાનો આ મોકો પે'લો ને છેલ્લો છે, હો કે!"

"પણ શું કરવું, બાપુ?" બુઢ્ઢાના બે દીકરાઓમાંથી એકે ચીડ બતાવી: "આ પલીત જાનવર ખસે જ નહિ! માંદણે બેસી ગયેલું ડોબું જાણે! આ તે કાંઈ દીપડો છે!"

"એ જુઓ, કો'ક જણ બાપુની પાસેથી દોડતો આવે છે. એલા, હોકારો દીપડાને, હોકારો ઝટ. આ તો પ્રભાતસંગ સા'બ જ લાગે છે. ઝટ હોકારો, મારા દીકરાઓ! આ મોકો પે'લો ને છેલ્લો છે , હો બાપ!"

એમ કહીને બુઢ્ઢો પોતાના થાકેલા પુત્રોને પાણી ચડાવતો હતો. બેઉ દીકરાએ એક પછી એક જવાબ દીધો: " તમે, બાપુ, અમને કોઈક ધિંગાણે પડકારતા હોત તો તો અમારાંય પારખાં થાત. પણ આ અઘરણીનાં પગલાં ભરતા કુત્તા માથે તો અમારું શું બળજોર ચાલે?"

"નીકર તો ઘણુંય એને લાકડિયે-લાકડિયે ટીપી નાખીયે." બીજો ભાઈ બોલ્યો.

"અરે, એક કવાડીનો ઘરાક છે." સંધી જુવાને કહ્યું.

"ના બાપ!" ડોસો બોલ્યો:"જીવતો ને જીવતો ક એને તો ગવન્ડર સા'બ સામે પોગાડજો; નીકર વાટકીનું શિરામણ રિયું છે એય આપણે હારી બેસશું."

"એ હેઈ હરામ..." દોડીને આવતા એ ખાખી પોશાકધારી આદમીએ લાંબો હાથ કરીને પોતાના તપેલા તાળવામાંથી અરધો કુશબ્દ કાઢ્યો: "ત્મારો દી કેમ ફર્યો છે!"

"પણ શું કરીએ, સા'બ!" બુઢ્ઢાએ માથે હાથ મૂક્યો: " ઠેઠ સવારના તગડીએં છીએં, ઠેઠ જરના ઓતરદા છેડાથી ઉઠાડ્યો છે, પણ ઈ પલીત હાલે જ નહિ તેનું કરવું શું?"

"પણ આ દી હાલ્યો ને ઓલ્યો તમારો કાકો ત્યાં બેઠો બેઠો ઊકળી હાલ્યો છે. ઈ તમને સૌને તેલની કડામાં તળશે, ખબર છે?"

"અમેય એ જ વિચારીએ છીએ." બુઢ્ઢો બોલ્યો: "પણ..."