પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી રિયાં. અંદર પેસી પેસીને દીપડો આપણાં ગળાં ચૂસશે. એટલે હવે તો એનો શિકાર કરાવ્યે જ છૂટકો."

"શું કરવું પણ?" બુઢ્ઢાએ મૂંઝવણ અનુભવી.

"એ તો હવે ઠાકર ઠાકર!"

"એટલે?"

"એટલે એમ કે હું ને મોટોભાઈ ઊતરીએ. ને પાણે મારી મારી કુત્તાને જરને સામે છેડે કઢીએ. બીજુ શું થાય?"

"હા જ તો! બીજુ શું થાય? ગામને ચૂંથે તે કરતાં તો આપણને જ ભલે ચૂંથતો!"

બાપ જોઈ રહ્યો, ને બેય જુવાનો પાણકાની ખોઈ વાળીને જરમાં ઊતરી પડ્યા. ભાગવાની કોઈ જગ્યા નથી રહેતી તેવા પોલાણ નીચેથી એમણે હાંફતા દીપડાના ગોરા ડેબાને પાણકેપાણકે કૂટ્યું.

"ખબરદાર!" ઉપરથી અમલદારની હાક આવતી હતી: "દીપડો ન મરે હોં કે!"

જીવતા દીપડાને એ પાણકાની ચણચણાટ લાગતી ગોળીઓએ પોલાણની આગલી બાજુએ કાઢ્યો.

"સા'બ! સા'બ!" પગીએ અમલદારને કહ્યું : હવે ઝટ પોગો, ને બાપુને કહો કે ગોળિયું ચોડે; નીકર હમણાં દીપડ જર બા'ર ગયો સમજો. હવે જર છીછરી થઈ ગઈ છે."

"પણ, ભૈ!" અમલદારે કહ્યું:"ઈ ત્યાં પોગાડ્યા વિના શિકાર નહિ કરે."

"પણ આ તો ગયો હો!"

"એને જરાક જખ્માવી નાખ તું, પગી, પણ ખબરદાર! જોજે હો, મરે નહિ."

"પગીએ આ વખતે બંદૂકમાં ગોળી ભરી: બંદૂક છોડી: દીપડાનો પાછલો એક પગ સાથળમાંથી ખોટો પાડ્યો."

"લંગડાતો દીપદો દોડીને એક બાજુ નાની એવી બખોલમાં પેસી