પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


મરતા જુવાનને મોંએથી


[બનેલી ઘટના પરથી]

મેદસીંગ ગોહિલના દીકરાને રોગ ઘેરાઈ ગયો હતો. એને ધનુરવા ઊપડ્યો એ પરથી સર્વને લાગ્યું કે હવે આ રોગ મોટો છે.

"હું હવે અંદર આવું?" ઉમેદસીંગે પુત્રના મંદવાડના ઓરડાની બહાર ફળિયામાં ઊભા રહીને પુછાવ્યું. તેના જવાબમાં જુવાન દીકરાએ ખાટલામાંથી ઊઠીને ઠેક મારી, દાબ્યો દબાય નહિ અને બોલવા લાગ્યો: "ના, ના, ઇ કાળા મોઢાવાળાને મારી કને ન આવવા દેશો અને મારી છેવટની મનવાછા એક જ છે ઠાકોર આતાભાઇને કોઈ વાતે આંહીં એક વાર તેડી લાવો, મારે એમનાં દર્શન કરી લેવાં છે."

મરતો દીકરો પોતાના સગા બાપને નજરે થવા દેતો નથી, એવી ભાવનગરના રાજાજી આતાભાઈ ઉર્ફે વખતસિંહજીને જાણ કરવામાં આવી. મરતો જુવાન મને મળવા ઝંખે છે તો મારે જવું જોઈએ, એમ વિચારીને ઠાકોર આતોભાઈ વડવામાં ઉમેદસીંગ ગોહિલને ઘેર ચાલ્યા.

તે વેળામાં ભાવનગર હજી 'નગર' નહોતું બન્યું. મૂળ ગામ તો વડવા જ હતું. વડવાની આજુબાજુમાં વાડીઓ હતી. વાવેતર કરનાર ખેડૂતો-ગરાસદારો જ વડવામાં મોટે ભાગે રહેતા. ઉમેદસીંગ ગોહિલ પણ વડવામાં છસો વીઘાની વાડી ખાતા હતા.

દરબાર આતોભાઈ જેવા રણજોધાર હતા તેવા જ પાછા રખાવટે ચતુર હતા; એટલે પોતાની જમીનમાં સોનાનો કસ પૂરનારી વસતીને ઝૂંપડે અરધે વેણે અને અડવાણે પગે જઈ ઊભા રહેતા. જમઝાળ કાઠીઓનું મથક ચિત્તળ ભાંગવામાં કાઠીઓની ધૂંવાધાર તોપોને કાને ખીલા ઠોકી આવનાર