પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લેવાની આંતર્ગત શક્તિ હશે તો વાચકો જ એનો હોંકારો આપશે. એવો હોંકારો જો નહિ મળે તો 'સ્વતંત્ર', 'મૌલિક' વગેરે શબ્દોથી ઓળખાવવામાં આવતો કોઈ પણ પમ્પ આ વાર્તાઓમાં પ્રાણવાયુ નહિ પૂરી શકે.

આ વાર્તાઓ વાસ્તવલક્ષી હોવાથી એના વણાટામાં ધરતી પરના, પોતાના તેમ જ પારકા સાચા અનુભવોની વણકરી તો અનિવાર્ય જ બને છે. કૌતુકરંગી, અલૌકિક, ભાવનાલક્ષી વાર્તાઓના લખનારાઓને આકાશ-પાતળ અને સચરાચાર દુનિયા ઉપરાંત એવી સેંકડો દુનિયાઓને છાઈ દેનારી અસીમ કલ્પનાભોમનો અવકાશ છે. એ અસીમની અંદર ભાવનાલક્ષી કલમ ચાહે ત્યાં ઘૂમી શકે છે, મન ફાવે તેવી વાર્તા સામગ્રી ઊંચકી શકે છે, ને તેમાંથી ધારે તો નિર્મલ તેજોમય ભાવનાકૃતિ નિપજાવી શકે છે: સહુને જોવી ગમે તેવી રમ્ય અને કોઈને ન દુભવે તેવી નિરપેક્ષ.

વાસ્તવલક્ષી વાર્તાઓ દોરનાર ઘણુંખરું માટીનાં માનવીઓ વચ્ચે જ આથડે છે, બનતા બનાવોને ભાળે છે, જીવતાંજાગતાં માનવ હ્રદયોને સારા-નબળા ધબકાર, મનોવ્યાપાર, આવેશ, વિચાર, વિકાર ઇત્યાદિની બહુરંગી લીલા જોતો એ ઊભો હોય છે. એની સૃષ્ટિના સીમાડા મુકરર છે, તે સાથે સાંકડા પણ છે. એના સર્જનને વાસ્તવના વર્તુલમાંથી બહાર જવાની મનાઈ છે. એને યોજવી પડતી કલ્પના, ભાષા તેમજ પાત્ર સૃષ્ટિ પાર્થિવ જીવનની માટીને જ આધીન છે. આરસની પ્રતિમાને હીરાની આંખો મઢી શકાય, પણ રુધિર-માંસના બનેલા માનવ-પાત્રને જો ચૂંચી આંખો હોય તો તે ચૂંચી જ રહેવા દેવી પડે છે. ઓપરેશન કરીને કદાચ તે ચૂંચી આંખને સ્થાને હીરો ગોઠવવામાં આવે તો તે જોઈ પણ નહિ શકે, સુંદર પણ નહિ લાગે.

ભાવના અને કલ્પનાની ભોમ છોડીને વાસ્તવજગતની ખાડાખબડિયાવાળી, વાંકઘોંકથી ભરેલી, કંઈક અંશે અસુન્દર તેમજ અસુગંધિત ગલીકૂંચીઓમાં ઘૂમવાનું કેમ ગમે છે ? કોણ જાણે. ગમવા - ન ગમવાની આ બાબત નથી. સુંદરને ત્યજી અસુંદરમાં વિચરવાનો ય આ પ્રશ્ન નથી. પ્રશ્ન એક જ છે: કે આલેખનારો કયા ઉદ્દેશે માનવીના

[6]