પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નહોતો. પૂરબિયા નાઠા.

એક જ ઝાળું હલાવીએ તો આખી ને આખી હલે એવે ઘાટી ઝાડવેઝાડવું ગૂંથ્યું હોય તેવી ગોરડ બાવળની કાંટ્ય, તે દિવસોમાં શિહોરથી ઠેઠ ભાવનગર સુધી જામી પડી હતી.

બેય પૂરબિયા એ ઘટાટોપ કાંટ્ય સોંસરવા ઠેઠ અહીં વડવા લગી પહોંચ્યા. પછી રસ્તો ન જોયો ને હાલવાની તાકાત તૂટી પડી.

બેય જણા જમીન પર બેસી ગયા. પાસે પાણીની કોથળી હતી તેમાંથી પૂરા ઘૂંટડા પાણી પીધું. કેડ્યેથી બેય જણાએ ચીંથરીઓ છોડીને બચાવેલી સોનામો'રું કાઢી. બેયનો સરવાળો સુડતાળીશ સોનામો'રુંનો થયો.

બેયની વચ્ચોવચ્ચ એ સુડતાળીશ સોનામોરુંને ભોંયમાં દાટી દઈને પછી બેય પૂરબિયા સૂઈ ગયા... એ બે પણ ફરી પાછા ઊઠ્યા જ નહિ.

પૂરબિયા મરીને બે સાપ સરજ્યા. સુડતાળીશ સોનામો'રું સગાંવહાલાંને પહોંચાડવાની વાસના રહી ગઈ હતી. એ દાટેલી માયાની ચોકી બેય સાપ કરવા લાગ્યા.

સોનામો'રું દાટી હતી તે જમીન ઉપર તો તે પછી એક વાડી થઈ. દિવસ રાત કોસ ચાલતા થયા. બળદો બંધાવા લાગ્યા. વાડીના ખેડૂતો, ખેડૂતોની બાઇઉં, એનાં બચ્ચાં તમામના એ વાડીમાં તો કલ્લોલ મચી ગયા.

વાડીના એ પશુઓ તેમ જ માનવીઓની જોડે બે મોટા કાળા સાપ પણ વાડીનાં સંતાન જેવા બની રહ્યા: વાડીના ઊભા લીલા મોલમાં આંટા મારે, ઠાઢા ટાઢા ધોરિયામાં લાંબા થઈને ઉનાળાના દા'ડામાં સૂઈ રહે, બળદોના શીંગ ઉપર ચડીને પૂંછડી વીંટાળી બેય સાપ ઊંધે માથે હીંચકા ખાય. છોકરાંના પગમાં હડફેટે આવે, પણ કોઈ કરતાં કોઇને ફૂંફાડોય ન કરે.

રેશમના જાડાં આંટલાં હોયની જોણે, એવા બેય સાપ લાગતા હતા. માનવીઓનો સહવાસ એને બહુ મીઠો લાગતો. બાઇઉંને અને બચળાંને દેખી બેય ગરીબડા બની જતા. કાળસ્વરૂપ ઝેરી જનાવર જેની કલ્પના કરતાંયે માનવીનાં હાડ થીજી જાય એવાં એ જનાવરોનાં અંતરમાં શી શી