પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂંગી મમતા અને ઝંખના સમાઈ હતી, એ કોણ જાણી શકે, બાપુ? કોને એની કલ્પના આવે? દાટેલી માયાને કાઢી ઉત્તર હિન્દના એક ગામડામાં ફલાણીફલાણી બાઇઉંને પહોંચતી કરજો, ભાઇ! એવું એ કોને કહે? કેમ કરીને કહે? ને ન કહે ત્યાં સુધી ક્યાંથી જંપે?

વાત કરતો કરતો જુવાન આંસુડાં રેડતો હતો. સાંભળનારાઓની અજાયબીનો પાર નહોતો કે આ જુવાન શી વાતને લવારે ચડ્યો છે ને શા હેતુથી રોઈ રહેલ છે? સહુને લાગ્યું કે કંઈક ઠેકાણા વિનાનું બકબક કરી રહ્યો છે.

જુવાને થોડો વિસામો લઈને ગળું સરખું કર્યું, ને પછી વાત આવલ ચલાવી:

પછી તો છેલ્લો જ બનાવ કેવાનો રે' છે બાપુ! એક દિ' ઉનાળાના બપોર હતા. કોસ છૂટી ગયા હતા. ભતવારીઓ ભાત લઈને આવેલી, તે વાડીના વડલાને છાંયે ધોરિયાને કાંઠે બેઠીબેઠી ધણીઓને ખવરાવતી હતી; અને નીરણ ચાવીને ધરાયેલા બળદો બેઠા બેઠા વાગોળતા હતા. એમાંથી એક બળદનાં શીંગ ઉપર પૂંછડીનો વીંટો કરીને ઓલ્યા બે માંયલો એક સાપ ઊંધે માથે ઝૂલતો ને ગેલ કરતો હતો.

એ જ વખતે ત્યાં વાડીનો માલેક ગરાસિયો આવ્યો, એણે બળદને શીંગડે કાળા સાપને હીંચકતો દીઠો. એનો અવાજ ફાટી ગયો.

એણે રીડિયા પાડ્યા કે "એલા, ધોડો, હમણાં જ આ સાપ આપણાં બળદને ફટકાવી ખાશે! એલા, કોઈ સાણસો પરોણો લાવો!"

એના રીડિયા સાંભળીને કોસિયા, પણોતિયા તેમ જ બાઇઉં ને છોકરાં ખડખડ દાંત કાઢવા લાગ્યાં. કોઈ ઊઠ્યું જ નહિ.

"અરે, હસો છો શું, રાંડુની જણીનાંઓ!" માલિક ભય અને ક્રોધમાં ભાન ભૂલ્યો: "તમારો બાપ હમણાં જ મારા પાંચસો રૂપિયાના ઢાંઢાને અળસાવી દેશે. કોઈ મારી કને લાકડી લાવો !"

સાથીઓએ કહ્યું: "બાપા, તમે ગભરાવ મા! ઈ નાગ નવો આજકાલનો નહિ પણ આદુ કાળનો આંઈ છે; ને ઈ તો રોજેરોજ આવા