પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતે ઘેર પહોંચ્યો તેટલા વખતમાં તો રણજિતને એક તારતમ્ય જડી ગયું હતું કે: મારી પત્ની તારા મને ચાહતી નથી, મારા મન જોડે તારાના મનને કશો જ મેળ નથી; એણે તો એનાં છોકરાં અને એના રસોડાની જ નિરાળી સૃષ્ટિ વસાવી લીધી છે, એ સૃષ્ટિમાં જ એ મસ્ત છે; રઝળી પડ્યો છું ફક્ત હું જ.

છેલ્લાં પાંચ વર્ષોના જીવનપટ ઘૂમી વળેલા એના હૃદયને પ્રત્યેક વિચારમાર્ગેથી એક જ મુકામ મળી આવ્યું કે તારા મને ચાહતી નથી, મને એ સમજતી નથી, અમારે કશો જીવન-મેળ નથી.

જીવનના એક વિરાટ પ્રશ્ન ઉપર આવો સ્વચ્છ વિચાર કરવાની શાંતિભરી અનુકૂળતા આપનાર ગાડીવાનને એણે એક આનો વધારાનો ચૂકવ્યો.

[2]

"વેણી લો... વેણી !" એક બાઈનો અવાજ સંભળાયો.

રણજિત એ ફૂલવાળીના કરંડિયા પર નમ્યો. એણે એક બેવડ ગુચ્છની ફૂલવેણી લીધી. વેણીની કળીએ પોતાના મનની એક દલીલ પોતે લખતો હતો: તારા છો મને ન ચાહતી, હું તો એને ચાહું જ છું; તેથી તો આ વેણી લઈ જાઉં છું.

પણ અરેરે ! તારાને વેણી પહેરવા જેવડો ઘાટો અંબોડો જ ક્યાં છે ?

દરેક સુવાવડ પછી એના ઢગલાબંધ વાળ ખરી જાય છે; ને એને તો વાળ સાચવવાની તમા જ ક્યાં છે !

વેણીને શોભાવે તેવો અંબોડો તો ત્યાં રહ્યો રેલગાડીના ડબ્બામાં.

સંધ્યાના દીવા ઘરઘરની બારીમાંથી અંધારાને ધકાવતા હતા. ખીજે બળતો પવન આંકડી વિનાનાં બારીબારણાંને અફળાવી દીવલઓનાં ચૂનો-કાંકરી ખેરતો હતો. રસ્તો ભૂલેલું એક ચકલું ઘરમાં અટવાઈ જઈ તેજમાં અંજાયેલી આંખે બારીના સળિયા જોડે પાંખો પટકતું હતું.

બારણું ઉઘાડતાં જ રણજિતે જોયું તો તારાની બગલમાં કમર પર, ગરમ પાણીની કોથળી દબાયેલી હતી ને એના વાળ વણઓળેલા, વીંખાયેલા