પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનોરાજ્યને નિહાળવા અને પ્રકટ કરવા નીકળેલો હોય છે? કોઈ એકાદ વાદનું સમર્થન કરવા માટે ? કોઈ ચોક્ક્સપક્ષ લેવા માટે ? કોઈ નીતિ અથવા આચારનો પ્રચાર કરવા માટે? કોઈ ઢોંગ, દંભ અથવ દુષ્ટ મનોવ્યાપારનું ઢાંકણ ખોલવા માટે ? જગતના સમગ્ર નિર્માણને દુષ્ટ સમજનાર કોઈ શ્રદ્ધાવિહિન 'સિનીક' તૉરથી? કે જીવનની કોઈ સમસ્યાનો ઉકેલ સૂચવવાની કલ્યાણબુદ્ધિથી ? કયા ઉદ્દેશથી? કયા વલણથી ?

જવાબ આટલો જ છે: આવા એક પણ ઉદ્દેશથી નહિ. કશા પણ વલણ વગર, કેવળ નીરખવાને ખાતર. દુનિયાને નીરખવામાં જ એક હેતુવિહીન, દ્વેષરહિત છતાં સહેજ સહાજ કઠોર કૌતુકભર્યું રહસ્ય જડે છે તે રહસ્યને સૌંદર્ય ભોંય પર ઉકેલવા માટે.

સાહિત્યકાર પોતાને વિષે કેટલાક સાચા-ખોટા ધર્મો માની બેસે છે. આ એક બૂરી જ નહિ પણ ભયાનક આદત છે. અમુક કર્તવ્ય મારું છે; અમુક સેવાધર્મનો હું ભેખધારી છું, અમુક વિચારોનો કે વાદોનો હું પ્રચારક છું એવાં એવાં ચગદાંને પોતાના કપાળ પર ચોળી લેનાર સાહિત્યકાર પોતાના મનના વહેમો, ભ્રમો, ગમા અને અણગમાનું એક જાલ-જગત સરજે છે. પોતે એમાં અટવાય છે તેમ જ પોતાના વાચકોને એમાં અટવાવે છે.

લાગે છે કે આ તો વાત વિવાદાસ્પદ ભૂમિ ઉપર આવી પહોંચી. મારે વિવાદમાં ઊતરવું નથી. ખુલાસો માત્ર આટલોજ કરવાનો છે કે મારા નાનકડા ગામનું વાતાવરણ ગૂંથીને ઊભી કરેલી 'પાનકોર ડોશી'થી લઈ એકાદ કોઈ શહેરમાં એક પુખ્ત વયની કન્યાનું પૂર્ણ મરજિયાત લગ્ન અટકાવવાની, સુધારાને નામે કોશિશ કરનારી યુવાન મનોદશાને છણનારી 'શારદા પરણી ગઈ'ની વાર્તા સુધીનો પ્રદેશ કોઈ પણ મત-સમર્થનને સારુ મેં નથી ખેડ્યો. તેમાં કોઈ એક વ્યક્તિ અથવા વ્યક્તિઓના ચોક્કસ સમૂહની અવહેલના કે પ્રશંસા નેમમાં નથી રાખી. 'વહુ અને ઘોડો'ની વાર્તામાં એક અગ્રણી નગરજનની ઘોડાગાડીને સાધન બનાવવાથી જો કોઈ બે જણા એમ કહે કે અમુક ઠેકાણે એવી ઘોડાગાડી હોવાથી આખી વર્તાનું લક્ષ્ય એ ઘોડાગાડીના માલિકનું કુટુંબ છે, તો એ એક રમૂજ પમાડનારી

[7]