પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દરવાજા કને જ આંબી જઈને કહેલું કે "મને મારા બંધુ વિદ્યાર્થીઓનાં આવાં અપકૃત્યથી શરમ આવે છે. એક પુરુષ તરીકે હું આપની ક્ષમા ચાહું છું."

રોહિણીનો જવાબ પણ એને યાદ હતો. વક્ર હાસ્ય કરીને રોહિણીએ સંભળાવેલું કે " ’શીવલી’નો દંભ ન કરો. તમારામાં રોષની લાગણી હોત તો તમે ત્યાં ને ત્યાં એ મવાલી છોકરાની સામે તમારી મર્દાઈનો મુકાબલો કરાવ્યો હોત. તે સિવાય તો હું તમારા જેવા દુર્બલોના નારી-સન્માન કરતાં એ મવાલીઓના નારી-ધિક્કારને ચડિયાતો ગણું છું."

વિદ્યુત-શી ન ઝલાતી, વાતવાતમાં છટકી જતી, ચપલા રોહિણી તે પછી તો પોતાના પડઘા મૂકીને સંસારમાં ચાલી ગઈ હતી. ને સાંભળવા પ્રમાણે, એણે એના પિતાના ઘરનો પરિત્યાગ કરેલો. કારન એમ બોલાતું હતું કે પિતાએ રોહિણીની માતાના મૃત્યુ પછી ઘણાં બાળકોને લારણે રીતસર લગ્ન ન કરતાં એક આધેડ ઉમ્મરની ઉપ-પત્ની રાખી લીધી હતી. અને ઘરની રખેવાળ તરીકેનો એને દરજ્જો આપ્યો હતો. પરંતુ એનું સાચું સ્થાન તો નવી ગૃહરાજ્ઞીનું જ હોવાથી એ વારંવાર પોતાનાં સાવકાં છોકરાં ઉપર સત્તા ચલાવ્યા કરતી, એની આજ્ઞાને વશ બની રહેનાર બાલકોમાં અપવાદરૂપ એક રોહિણી જ નીકળી. એણે પિતાજીને સંભળાવી દીધું કે -

"આપ એને રીતસર પરણી લો તો હું એને ’બા’ શબ્દે બોલાવી એની આજ્ઞાઓ ઉઠાવવા તૈયાર છું; પણ રખાત પ્રત્યે તો માતાનો ભાવ બતાવવાનું મારે માતે અશક્ય છે."

આ અશક્યતાના મુદ્દા પર રોહિણીને બાપનું ભર્યું ઘર છોડવું પડેલું. ટ્યુશનો રાખી એ જુદો એકલ સંસાર ચલાવતી. લોકો વાતો કરતાં કે એકવાર રાત્રીએ રોહિણીએ એક ગૃહપ્રવેશ કરવા આવનાર પુરુષને રિવોલ્વર વતી જખમી કરેલો.

લોકોની આવી અત્યુક્તિ પછવાડે સત્ય ફક્ત એટલું જ હતું કે રોહિણી હંમેશા એક છૂરી પોતાની બાજુમાં દબાવીને જ નિદ્રા લેતી.

તે પછી તો ધરતીનાં પડોને પલાળી ચાર-પાંચ ચોમાસાં ચાલ્યાં ગયાં.