પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દુનિયા ઘડીક નવી તો ઘડીક જૂની ને ઘડીક બુઢ્‍ઢી તો ઘડીક બાળા બનતી બનતી ઘણી ઘણી ફેરફૂદરડીઓ ફરી વળી. ને જગત જેને ચમત્કાર ગણી વંદે છે તેવા કોઈ વિધિયોગનું ટાંકણું આવતાં આજે આ બીજા જ નગરમાં ઓચિંતા એક ટ્રેઇનમાં બેઉ જણાનો મેળાપ થયો.

ગાડીમાં ગિરદી ઘણી હતી. એક બાઈને ઊભેલી દેખી કેટલાક જુવાનો બેઠક ખાલી કરી ખડા થયા. પણ એ તમામને તિરસ્કારયુક્ત ના પાડતા રોહિણીએ રનજિતની જોડે દૃષ્ટિ મળતાં મોં ઉપર હાસ્યના ફૂલદડા રમાડ્યા; સાભાર એણે રણજિતનું આસન સ્વીકારી લીધું. બીજે સ્ટેશને તો ગાડી ખાલી થતાં બેઉએ સામસામી બેઠક લીધી.

અને પછી કૉલેજની જૂની ઓળખાનના એક પછી એક પડદા ઊપડતા ચાલ્યા. રોહિણી ત્યારે વિદ્યુતના અગ્નિ-ચમકારા છોડીને શ્યામલ વાદળી-શી સ્નેહવર્ષણ બની ગઈ. "તમે ક્યાં છો ?" "તમે શું કરો છો ?" ... "કોલેજમાં હું એક તમારા મોંને જ નથી ભૂલી શકી..." એવા એવા ઉદ્‍ગારો એના મોંમાંથી વહ્યા.

"શા માટે નથી ભૂલી શક્યા ?"

"કોન જાણે, કોઈક અકળ દૈવોદેશ." એણે નિશ્વાસ નાખ્યો.

"હમણાં અહીં રહેશો ?" રણજિતે પૂછી લીધું.

"તમને વાંધો ન હોય તો...!" રોહિણીએ રમૂજ કરી.

"મને શાનો વાંધો હોય ?"

"ક્યારેક આ રીતે ટ્રેઇન-ટ્રામમાં ભટકાઈ જવાનો ભય તો ખરો જ ને !"

"ભય ! ભય શાનો ?"

"તમને નહિ - બીજાં કોઈને."

"બીજાં કોને ?"

"અમારી જાત બહુ ઇર્ષાળુ છે, રણજિતભાઈ !"

રણજિત સમજ્યો, ને એને પોતાને ઊતરવાનું સ્ટેશન આવતાં એ ઊઠ્યો.