પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેટલીક આગગાડીઓ થોભે છે ત્યારે થડકાર કરે છે. એનો થડકારો હજારો ઉતારુઓને થડકાવે છે. એ હજારોમાંથી કોઈક કોઈકને નસીબે એ થડકાર મીઠો અને ઉપકારક બની જાય છે.

આગગાડીએ બાકીની ફરજ બજાવી... ઢળતા રણજિતને રોહિણીએ હાથ ટેકવીને સ્થિર કરી લીધો...

ક્યાં એ હાથનો સ્પર્શ ! ક્યાં બાજુમાં પડેલ નિઃસ્નેહ માનવ-કલેવર !

ને સ્વપ્નમાં રણજિત પેલી ચાલી જતી ટ્રેઇનનો પછવાડેનો ડાંડો ઝાલીને જાણે કે ઘસડાયે જાય છે...

[3]

તે રાત્રિએ રોહિણીના હૃદયમાં પણ ઉત્પાત મચ્યો. જીવનમાં પહેલી પ્રથમ વારનો જ એ ખળભળાટ હતો.

પ્રથમ તો એ હસી : કેવો બેવકૂફ બનાવ્યો એ પામરને !

પણ પોતાનું હસવું પોતે ન જોઈ શકી. ઊઠીને અરીસામાં જોયું. અટહાસ્ય કર્યું.

પણ પ્રતિબિંબનો પ્રતિહાસ એને ગમ્યો નહિ. એને લાગ્યું કે જાણે રાંડ પ્રતિછાયા મને ઠઠ્ઠે ઉડવી રહી છે !

બંદૂક ફોડતી વેળા બરકંદાજના હાથ જો ઢીલા પડે તો બંદૂકનો કુંદો પોતાનું જોર એ ખુદ વછોડનારની જ છાતીને જફા કરે છે.

પુરુષોનો દ્રોહ કરનારી રોહિણીના કલેજામાં આજ પહેલી જ વાર એ રોષનો પ્રત્યાઘાત પછડાયો.

પણ પાછું એણે યાદ કરી જોયું : મેં તો ભલાભલા યુવાનોનો તેજોવધ કરીને વિજય મેળવ્યો છે; મારાથી સવાયા પુરુષોનાં સ્નેહ-વલખાં ઉપર હું ખડ ખડ હસી ચૂકી છું. ને આજે રનજિત જેવો અદનો યુવાન મારા હૃદય બંધોને કાં તોડી વછોડી રહ્યો છે ? બંડખોરીનો શું અતિરેક થયો ?

સૂતા સૂતા અનુભવનાં, અવલોકનનાં તેમ જ વાચનનાં પાનાં ફરી ફરી સ્મરણમાં ઉથલાવી ગઈ. પણ એનો જૂનો જાતિવિદ્રોહ તે સમય પોતાની ફેણ માંડી શક્યો નહિ.