પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનને રોહિણીએ પટાવ્યું: કદાચ આ મારી અનુકમ્પા જ છે માત્ર - એથી વધુ કશું નહિ.

અનુકમ્પા - માત્ર અનુકમ્પા - વધુ કશું નહિ... એવું રટણ કરતી રોહિણી સૂતી.

થોડા દિવસો ગયા. મનને થયું: શહેર સારું છે, મારે જરા સ્થળફેરની જરૂર છે. અહીં મારા કામકાજને માટે પણ બહોળું ક્ષેત્ર છે. અહીં જ રહી જાઉં તો કેમ ?...

રહી ગઈ. ટ્યુશનો પણ મળ્યાં.

[4]

"તારા !" રણજિતે એક રાત્રીએ શિક્ષણનો બહોળો વિષય છેડ્યો: "તું ઘેર થોડો અભ્યાસ ન કરે ?"

"તમે ભણાવો તો કરું."

"ધણી કદી માસ્તર બની જ ન શકે."

"જોઈએ."

જોયું, એક અઠવાડિયામાં રણજિતે તારાને થકાવી દીધી; પૂછ્યું: "હવે ?"

"પુરુષ-શિક્ષકની કને તો નહિ ભણું."

"કેમ, ખાઈ જાય ?"

"કોણ જાણે, ગમે નહિ."

"મને કશો વાંધો નથી, હો ! ખરું કહું છું - મારા પેટમાં જરીકે શંકા કે ઇર્ષા નથી."

પણ તારાએ ન માન્યું... ને શિક્ષિકા આવી - રોહિણી.

વારંવાર મળવાનું એ નિમિત્ત ખડું થયું. રોહિણીએ રણજિતને એક સ્નેહભર્યો ને ગૃહપ્રેમી સ્વામી દીઠો: તારા ભણે ત્યારે રણાજિત બન્ને બાળકોને લઈ બહાર નીકળી જાય.

તારાની આંખો ન દુખે તે માટે રણજિત વહેલો ઊઠી રસોઈ માંડી દે.