પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કો યોગી જેવો મછવો આવડા બધા જ્વાલામુખીને પોતાના હૈયામાં સંઘરતો કિનારે પાછો આવ્યો.

બેઉ જણાં જુદાં પડ્યાં.

[7]

ત્રીજે દિવસે તારાને લેવા સ્ટેશન ઉપર રોહિણી જ ગઈ હતી. રણજિતને ખબર જ નહોતી.

છોકરાં ’ફઈબા-માશી’ને બાઝી પડ્યાં, પેલું ’ફઈબા-માશી ધડબડ’નું જોડકણું સંભળાવ્યું. તારાએ પણ રોહિણીને ગળે હાથ વીંટીને વહાલ કર્યું; પૂછ્યું: "તાર કેમ તમારા નામનો હતો ?"

"કેમ કે મેં જ તમને તેડાવ્યા છે."

રોહિણીના મોં પરથી આપત્તિના અક્ષરો વાંચી શકાતા હતા. તારાના દિલમાં ફફડાટ મચ્યો.

ઘેર જઈને રોહિણી તારાના ખોળામાં ઢગલો થઈ પડી. તારાએ રોહિણીના શરીર પર અકથ્ય કરુણ કહાણી ઉકેલી લીધી, ને પછી તો રોહિણીએ પોતાનું તમામ હૈયું ખોલી નાખી પોતાનો સંકલ્પ ધરી દીધો.

તારાને બેમાંથી એક પસંદગી કરી લેવાની હતી: કાં તો ઘરની અંદરથી રણજિત-રોહિણીની સદાકાળ હિજરત; અથવા તો રોહિણીનો સદાકાળનો ઘરમાં ઉમેરો.

હિજરત કરશે તો આ બેઉ જણાં જગતના ચક્રમાં પછડાઈ છૂંદો બની જશે, એ વાત દીવા જેવી સ્પષ્ટ હતી. ને જો રોહિણી ઘરમાં પ્રવેશ કરશે તો કદાચ પોતાને પિયરવાસ સ્વીકારવો પડશે, એવી ખાસ ધાસ્તી હતી.

તારાએ પોતાનું જ અમંગળ પસંદ કરી લીધું. પોતાની જ સાક્ષીએ એણે બેઉ જણાંનો હસ્તમેળાપ કરાવ્યો: પોતે જ રોહિણીના હાથમાં પાણીભર્યું શ્રીફળ રોપ્યું: પોતે જ કંકુનો ચાંદલો કર્યો.

પ્રભાતનાં છાપાંમાં હાહાકાર સૂચવતાં મથાળાં હેઠે આ એક સામાજિક ઉલ્કાપાત ઉપર આગ-ઝરતાં લખાણો આવ્યાં.