પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સર્વ છાપાંનો સૂર એ હતો કે એક પુરુષે અધમ રીતે એક કોમળ હૃદયની સન્નારીને ફસાવી ને બીજી એક સ્ત્રીનો ભવ સળગાવ્યો.

રોહિણીએ છાપાવાળાને બીજે દિવસે એક નિવેદન લખ્યું:

ફસાવનાર પુરુષ નથી: મેં જ પુરુષને પહેલું પ્રલોભન આપી લપસાવ્યો છે. મારી પ્રતિષ્ઠાને રક્ષવા માટે પુરુષ તો ધરતી ભાર ન ઝીલી શકે એવું સ્વરૂપ અમારા લગ્નને પહેરાવવા તૈયાર હતો; પરંતુ એટલો વધારે પાપભાર મારાથી સહેવાય તેમ નહોતું
તમે પૂછશો કે રોહિણી જેવી બંડખોર નારી શી રીતે આટલી સહેલાઈથી ભુક્કો થઈ ગઈ ?
જવાબ એ છે કે મારી બંડખોરી પોતાનું આખરી લક્ષ્ય ચૂકી જઈને પછી તો પોતાના વિજયગર્વની જોડે જ એકાકાર બની હતી. શક્તિ જ્યારે નિરુદ્દેશ બની કેવળ વિજયના મદને બહલાવવા જ બહાર નીકળી પડે છે, ત્યારે એ પોતે પોતાને જ ખાઈ જાય છે. કૃપા કરીને કોઈ મારા આચરણની જોડે મહાન ઉદ્દેશને જોડશો નહિ.
[8]

પાંચ મહિના સુધી રોહિણીએ તારાના આશરામાં એકલવ્રત પાળ્યું; રણજિતનું મોં સુધ્ધાં ન જોયું.

પછી એક દિવસ રોહિણીના પુત્ર-પ્રસવની કિકિયારીઓએ સુવાવડખાનાને જાહેર ઉપહાસનું સ્થાન બનાવી મૂક્યું. કેમેરાની ચાંપો ત્યાં દિન બધો ચીંકાર કરી ઊઠી. એ બધા લોક-હલ્લાને ઠેલી પાછા વાળનાર તારા ત્યાં હાજર ને હાજર હતી.

છાપાવાળાઓ તારાને પૂછતા હતા: "તમારે આ બાબત કાંઈ કહેવું છે બહેન ?"

"હા, ભાઈ; કહેવાનું આટલું કે ભલા થઈને મારી દયા ખાવી છોડી દો, ને મને આ બે જીવતા જીવોનું જતન કરવા દો."

નિંદા, તિરસ્કાર ને ઠઠ્ઠાના આ ગરમ વાતાવરણ વચ્ચે રોહિણી માંડ માંડ સુવાવડમાંથી ઊભી થઈ. તારા એને ઘેર લઈ આવી; બાળકને રમાડતી